ભાજપના પ્રદેશ પ્રમુખ બદલાવાનું નિશ્ચિત..!! પ્રદેશ પ્રમુખ આગામી મુખ્યમંત્રી..?
અમદાવાદ
ભાજપનું પ્રદેશ સંગઠન ધરમૂળથી બદલાઇને નવા વાઘા પહેરવાની તૈયારીમાં છે. ગ્રામ્ય લેવલથી લઇને તાલુકા સુધી, તાલુકાથી જિલ્લા સુધી, જિલ્લાથી, સમગ્ર ગુજરાત પ્રદેશ સુધી તમામ જગ્યાએ સંગઠનમાં પરિવર્તનના એંધાણ છે, ત્યારે ભાજપના પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીના સ્થાને પણ કોઇ અન્ય પટેલ ચહેરો આવે તેવી પ્રબળ શક્યતા જોવાઇ રહી છે. કોણ હશે નવા પ્રદેશ પ્રમુખ એ ટોપિક હાલ ભાજપના કાર્યકર્તાઓમાં ચર્ચાનો હોટ ઇશ્યૂ છે.
તો અન્ય શક્યતા એવી પણ જોવાઇ રહી છે કે આગામી વિધાનસભા ચૂંટણીમાં કેન્દ્રીય નેતૃત્વ સી.એમ ઉમેદવાર તરીકે જેને પ્રોજેક્ટ કરવા માંગતુ હશે – તેને પણ પ્રદેશ પ્રમુખ બનાવી શકે છે.ઉલ્લેખનીય છેકે વિજયભાઇ રુપાણીને સી.એમ બનાવતા પહેલા એક વર્ષ અગાઉ પ્રદેશ પ્રમુખ બનાવાયા હતા અને ચૂંટણી બાદ સી.એમ તરીકે તેમના નામની ઘોષણા થઇ હતી. આમ રુપાણીને સી.એમ બનાવવાનો તખ્તો પહેલેથી જ ગોઠવાયેલો હતો અને આગામી સીએમ કેન્ડીડેટ તરીકે ભવિષ્ય ભાખીને મનસુખ માંડવિયા , પ્રદિપ સિંહ જાડેજા જેવા નામો પણ હાલ ચર્ચાઇ રહ્યા છે.
રજની પટેલ હોય, ગોરધન ઝડફિયા હોય, મનસુખ માંડવિયા હોય કે પ્રદિપસિંહ જાડેજા આ તમામ લોકો સંઘના નજીદીકી વ્યક્તિઓ મનાય છે. ભાજપમાં ટોચની પસંદગી માટે કોઇપણ નિર્ણય લેતા પહેલા એ નિર્ણય પર સંઘની સહમતી આવશ્ક મનાય છે ત્યારે- જ્ઞાતિના સમીકરણો થી લઇને , વર્તમાન સીએમ સાથે તાલમેલ ધરાવતુ, સંઘની પસંદગી વાળુ કેન્દ્રીય નેતૃત્વ ના ક્રાઇટેરિયામાં ફીટ બેસતુ એવુ કયુ ફાઇનલ નામ જાહેર થશે તેના પર હાલ તો સૌ કોઇની નજર છે.
જે અંતર્ગત સ્થાનિક લેવલે થી આવેલા નામો પર સીએમ બંગલો અને ભાજપના પ્રદેશ કાર્યાલય કમલમ માં વારાફરતી બેઠકોનો અને ચર્ચાઓનો દૌર ચાલી રહ્યો છે. વોર્ડ થી લઇને તાલુકા લેવલે, જિલ્લા લેવલે પ્રમુખ, મંત્રી , મહામંત્રીઓની નિમણુંકો થઇ રહી છે. અને હવે આખરી તબક્કામાં પ્રદેશ મહામંત્રીઓ અને પ્રદેશ પ્રમુખની નિમણુંક ટૂંક સમયમાં થશે અને ડિસેમ્બરના અંત સુધીમાં પ્રદેશ પ્રમુખ થી લઇને સમગ્ર માળખાની વિધીવત જાહેરાત કરવામાં આવશે.પ્રદેશનુ માળખુ બદલાવાની શરુઆત થઇ તે સમયે રાજ્યમાં પેટા ચૂંટણીઓ ચાલી રહી હતી ને મનાઇ રહ્યુ હતુકે પેટાચૂંટણી બાદ થનારા મંત્રીમંડળ વિસ્તરણમાં વાઘાણીનો સમાવેશ નહીં કરાય અને ટર્મ પૂરી થઇ ગઇ હોવા છતાં નેકસ્ટ ટર્મ માટે પ્રદેશ પ્રમુખ તરીકે જીતુ વાઘાણીને જ કન્ટીન્યુ કરાશે.પરંતુ, હવે ચિત્ર બદલાયેલુ નજરે પડેછે. ને તેનુ મૂળ કારણ છે.
જીતુ વાઘાણીની પ્રદેશ પ્રમુખ તરીકે નિમણુંક થઇ ત્યારથી પ્રદેશના સિનિયર નેતાઓ નારાજ હતા. દરેકને પોતાનો લાડવો લુંટાઇ રહેલો નજરે પડયો હતો. અને અનુભવમા ઉતરતા વાઘાણીનુ કીધુ હવે કરવુ પડશે તે વાત સૌ કોઇને ખૂંચી હતી, પરંતુ, તે સમયે તો કેન્દ્રીય નેતૃત્વની પસંદગી સામે સૌ કોઇએ ચૂપકીદી વ્યાજબી માની હતી અને વાઘાણીને કમને પણ વધાવી લીધા હતા. પરંતુ, સૂત્રોનુ માનીયે તો ગત વિધાનસભા ચૂંટણીમાં માંડ માંડ જીત્યા બાદ પેટા ચૂંટણીમાં પણ ધબડકા થી લઇને સંગઠનમાંથી વાઘાણીની વારંવારની ફરિયાદોથી સીએમ ખુદ હવે કંટાળ્યા છે અને વાઘાણીને બદલવા માટે અન્ય નેતાઓ સાથે સહમત થયા છે. ત્યારે હવે સીએમ સાથે કેન્દ્રીય નેતૃત્વ સહમત થાય તો સી.એમ સાથે સંતુલન સાધીને આગામી વિધાનસભા ચૂંટણી જીતાડી શકે તેવા સક્ષમ નવા પ્રદેશ પ્રમુખની શોધ થશે તેમ મનાઇ રહ્યુ છે.