શાળા આરોગ્ય સપ્તાહ: કાર્યક્રમ 25 નવેમ્બરથી થશે શરૂ, 1.5 કરોડ બાળકોને આવરી લેવાશે
અમદાવાદ
આ શાળા આરોગ્ય સપ્તાહ દરમિયાન ડોકટર્સ તેમજ પેરા મેડિકલ અને અન્ય સ્ટાફ મળી કુલ ચાર લાખ સ્ટાફ કાર્યરત રહેશે. ઇન્ડિયન મેડિકલ એસોસીએશન સંગઠનના તબીબો પણ આ કાર્યક્રમમાં જોડાશે. રાજયના આરોગ્ય કર્મીઓને સેટકોમના માધ્યમ દ્વારા આ અભિયાન અંગે જરૂરી તાલીમ આપવામાં આવી છે. રાજ્ય સરકાર દ્વારા બાળકોના આરોગ્યની ચિંતા કરીને પ્રતિવર્ષ શાળા આરોગ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે. આગામી શાળા આરોગ્ય કાર્યક્રમનો રાજ્યવ્યાપી શુભારંભ ૨૫મી નવેમ્બર-૨૦૧૯ થશે, જે ૩૦મી જાન્યુઆરી-૨૦૨૦ સુધી ચાલશે. જેમાં રાજ્યના ૧.૫ કરોડથી વધુ બાળકોને આવરી લેવાશે એમ, આરોગ્ય વિભાગની યાદીમાં જણાવાયું છે.
મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી સ્વામિનારાયણ ગુરૂકુળ,સેકટર-૨૩ ગાંધીનગર થી અને નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ ગાંધીનગર જિલ્લાના કલોલ તાલુકાના ઈસંડ ખાતેથી રાજયવ્યાપી શુભારંભ કરાવશે. આ કાર્યક્રમ અંતર્ગત નવજાત શીશુથી ૬ વર્ષના આંગણવાડીના બાળકો, ધો.૧ થી ૧રમાં અભ્યાસ કરતાં તમામ વિદ્યાર્થીઓ (ખાનગી અને સરકારી), ૧૮ વર્ષ સુધીના શાળાએ ન જતાં બાળકો, આશ્રમશાળા, મદ્રેશા, ચિલ્ડ્રન હોમના બાળકોને ‘4D’ પ્રમાણે આરોગ્ય તપાસ અને આરોગ્યપ્રદ સંસ્કાર-ટેવોનુ નિર્માણ કરી સ્વસ્થ ગુજરાતના નિર્માણ માટે રાજ્યના દોઢ કરોડથી વધારે બાળકોને આવરી લેવાશે.આ અભિયાન અંતર્ગત રાજયના બાળકોની આરોગ્ય તપાસ ઉપરાંત સ્થળ ઉપર સારવાર, જરૂર જણાયે સિવિલ હોસ્પિટલ કે સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં વિવિધ રોગોના નિષ્ણાંત ડોકટરોની સંદર્ભ આરોગ્ય સેવા, ચશ્મા વિતરણથી માંડીને તંદુરસ્તી માટેનું જરૂરી એવું આરોગ્ય શિક્ષણ પણ બાળકોને આપવામાં આવશે તેમજ બાળકોને હ્રદય, કીડની અને કેન્સર જેવી ગંભીર બિમારીમાં ઝડપી સારવાર મળી રહે તે માટે ‘સુપર સ્પેશ્યાલીટી’ સારવાર વિના મૂલ્યે આપવામાં આવે છે. શાળા આરોગ્ય કાર્યક્રમમાં બાળકોને ‘સુપર સ્પેશ્યાલીટી’ સારવાર ઝડપથી મળી શકે તે માટે જિલ્લા કક્ષાએ મંજૂરી આપવાની સત્તા આપવામાં આવી છે.
શાળા આરોગ્ય સપ્તાહ દરમિયાન બાળકના પરિવારમાં આરોગ્યપ્રદ ટેવોનું નિર્માણ થાય અને બાળકોને સંસ્કૃતિના સંસ્કાર મળે તે ઉદ્દેશથી ‘દાદા-દાદી’ અને ‘વાલી મીટીંગ’ યોજવામાં આવશે. જેના દ્વારા આપણા ઉજજવળ વારસા અને સંસ્કૃતિનું જ્ઞાન નવી પેઢીને મળી રહે તે માટે પ્રયાસો કરાશે. બાળકમાં દેશપ્રેમ સુદ્રઢ બનશે. આવી મીટીંગને કારણે સંસ્કારોની સાથે સાથે આરોગ્ય અંગે પણ બાળકમાં જાગૃતિ આવશે. જેથી તંદુરસ્ત રાષ્ટ્રનું નિર્માણ શકય બનશે તેમ, વધુમાં જણાવાયું છે.