મુંબઇ-અલિબાગની રો-રો સેવા: પ્રશાસનની બેદરકારીના કારણે સેવા શરૂ થવામાં વિલંબ
મુંબઇ
મુંબઇથી અલિબાગ વચ્ચે રો-રો સેવા શરૂ કરવાની યોજના ધૂળ ખાઇ રહી હોય એવું લાગી રહ્યું છે. ત્રણ વર્ષ પહેલા ઘડવામાં આવેલી આ યોજના અંતર્ગત મેરીટાઇમ બોર્ડ કીચડ સાફ કરવાના કોન્ટ્રાક્ટ પર જ કામ કરી રહી હોવાથી અત્યાર સુધીમાં ૨૫ કરોડનો ખર્ચ કરી નાખ્યો હોવાની બાબત પર પ્રકાશ પડ્યો હતો.
કચરો કાઢવાના નામે મેરીટાઇમ બોર્ડે કોન્ટ્રાક્ટરને સારી કમાણી કરવામાં મદદ કરનારા મેરીટાઇમ બોર્ડને કારણે રો-રો સેવા ફક્ત દસ્તાવેજો સુધી સીમિત રહી ગઇ છે. વારંવાર જમા થતા ગાળ અને તેના પર થનારા કરોડો રૂપિયાના ખર્ચને ધ્યાનમાં રાખીને અલિબાગના એક સામાજિક કાર્યકર્તાએ રાજ્યના ગૃહ વિભાગ ખાતે ફરિયાદ નોંધાવી હતી. ત્યારબાદ આ પ્રકરણે તપાસ શરૂ કરીને કોન્ટ્રાક્ટરના પૈસાને અટકાવવામાં આવ્યા હતા. તેમ છતાં થોડા સમય બાદ ફરી એક વાર ગાળની સફાઇ માટે ટેન્ડર બહાર પડ્યું હતું. દરમિયાન કોન્ટ્રાક્ટર આ ગાળને ક્યાં નાંખે છે એ અંગેની સ્પષ્ટતા મેરીટાઇમ બોર્ડને આપવામાં આવતી ન હોવા છતાં પણ બોર્ડ વારંવાર ટેન્ડર જાહેર કરી રહ્યું છે અને સરકારના કરોડો રૂપિયાને પાણીની માફક વેળફી રહ્યા હોવાનું દેખાઇ રહ્યું છે.
સાગરમાલા પ્રકલ્પ અંતર્ગત મુંબઇને જોડનારા માર્ગ પર રો-રો બોટ સેવા શરૂ કરવાનો નિર્ણય કેન્દ્ર સરકાર દ્વારા લેવામાં આવ્યો હતો. દરમિયાન આ પ્રકલ્પ અંતર્ગત માઝગાંવ ખાતે આવેલું ભાઉચા ધક્કાથી માંડવા બંદર વચ્ચે ‘રોલ ઓન રોલ ઓફ’ સેવા શરૂ કરવામાં આવશે એવી જાહેરાત કરવામાં આવી હતી. આ માટે રૂ. ૧૨૫ કરોડના ખર્ચે માંડવા ખાતે ટર્મિનલ, જેટ્ટી અને બ્રેક વૉટર બાંધ બાંધવા આવ્યો છે. દરમિયાન આ સેવા ૨૦૧૮ના એપ્રિલ મહિનામાં શરૂ થાય એવી અપેક્ષા હતી, પરંતુ આ વર્ષ પણ પૂરું થવા આવ્યું હોવા છતાં રો-રો સેવા શરૂ થાય એવા અણસાર દેખાઇ રહ્યા નથી. આ મહત્ત્વાકાંક્ષી પ્રોજેક્ટને ગતિ મળે તે માટે મહારાષ્ટ્ર મેરીટાઇમ બોર્ડે માંડવા પર ગાળ સફાઇ માટે રૂ. ૧૬ કરોડ વર્ષ ૨૦૧૮માં રૂ. ૪.૫૦ કરોડ અને હાલમાં ફરી એક વાર રૂ. ૪.૫૦ કરોડના ટેન્ડર બહાર પાડીને ૨૫ કરોડ રૂપિયાનો ખર્ચ કરી નાખ્યો હોવા છતાં પણ રો-રો સેવા શરૂ થઇ રહી ન હોવાને કારણે લોકોને અનેક પ્રશ્ર્નો ઉદ્ભવી રહ્યા છે.