રેલવે સ્ટેશન પર ઇ-દંડ: રેલવે બોર્ડ અને કોર્ટ તરફથી મંજૂરી બાદ યોજના અમલમાં લવાશે
મુંબઇ
રેલવેના નિયમોનું ઉલ્લંઘન કરનારા પ્રવાસીઓ વિરુદ્ધ કાર્યવાહી કરવા માટે પશ્ર્ચિમ રેલવે દ્વારા ઝડપી વિકલ્પ ઉપલબ્ધ થાય તે માટેના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. પ્રવાસીઓ વિરુદ્ધ કાર્યવાહી કરવા માટે સામાન્યપણે રેલવે પ્રશાસન રેલવે કોર્ટની પ્રક્રિયા પૂરી કરે છે. તે માટે પ્રવાસીઓને આખો દિવસ વેડફવો પડે છે. આવું ન થાય તે માટે રેલવે સ્ટેશન પર તત્કાલ ઇ-દંડ ભરવાની સુવિધા ઉપલબ્ધ કરવાના પ્રસ્તાવ મંજૂર થાય તે માટે પશ્ર્ચિમ રેલવે દ્વારા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. ઇ-દંડ ડેબિટ કાર્ડ અથવા અન્ય પેમેન્ટના વિકલ્પોથી પણ કરી શકાશે, એવી માહિતી એક વરિષ્ઠ અધિકારીએ આપી હતી, પરંતુ આ પહેલા રેલવે કોર્ટ અને રેલવે બોર્ડની મંજૂરી મેળવવી આવશ્યક હોય છે. તે માટેના પ્રયાસો થઇ રહ્યા હોવાનું જાણવા મળ્યું છે.
ચાલતી લોકલ ટ્રેનમાં પ્રવાસીઓના સ્ટંટ કરવા, ટ્રેક ક્રોસ કરવા, મહિલા અને અપંગ ડબ્બા તેમ જ લગેજ ડબ્બામાં ગેરકાયદે પ્રવાસ કરવો જેવા નિયમોનું ઉલ્લંઘન કરનારા પ્રવાસીઓની ધરપકડ આરપીએફ (રેલવે પ્રોટેક્શન ફોર્સ) દ્વારા કરવામાં આવે છે. ત્યારબાદ તેની નોંધ કરવામાં આવ્યા બાદ આરોપીને કોર્ટમાં લઇ જવામાં આવે છે. તેમનો નંબર આવતાં ઘણી વાર વાગતી હોવાથી આખો દિવસ ત્યાં રહેવું પડે છે. કોઇ પ્રવાસી દંડ ભરવા માટે તૈયાર હોય તો પણ તેને કોર્ટની પ્રક્રિયા પૂર્ણ કરવી પડતી હોવાને કારણે નોકરિયાત વર્ગને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે. આ સંદર્ભે પશ્ર્ચિમ રેલવે દ્વારા પાન ખાઇને જ્યાં ત્યાં થૂંકનારાઓ તેમ જ રેલ પરિસરમાં સિગારેટ ફૂંકનારાઓ અને ગંદકી ફેલાવનારા પ્રવાસીઓ વિરુદ્ધ તત્કાલ દંડાત્મક કાર્યવાહી કરવામાં આવી રહી છે, તે માટે રેલવે કોર્ટમાં જવાની જરૂર ન હોવાનું અધિકારીએ જણાવ્યું હતું. કોર્ટમાં વસૂલવામાં આવતો દંડ આરપીએફ મારફતે સ્ટેશન પર તત્કાલ ઇ-દંડ વસૂલવામાં આવે, એવા પ્રસ્તાવ પર કામ શરૂ કરવામાં આવ્યું હોવાથી કોર્ટમાં જવા માટેનો સમય બચી જશે. જો કોઇ ગંભીર બાબત પર ગુનો દાખલ કરવામાં આવે તો જ તેને કોર્ટ સુધી લઇ જવામાં આવશે. હાલમાં આ પ્રસ્તાવ પર કોર્ટનો મત અને રેલવે બોર્ડની મંજૂરી મળવી અત્યંત આવશ્યક હોવાનું અધિકારીએ વધુમાં જણાવ્યું હતું.