ચિલોડા પાસે ૬૦૦ પેટી દારૃ સાથે ત્રણ ઝડપાયાં
ગાંધીનગર,બુધવાર
રાજ્યના પાટનગર ગાંધીનગર શહેર તેમજ જિલ્લામાં દેશી – વિદેશી દારૃની હેરાફેરી અને વેચાણ અટકાવા પોલીસ દોડધામ કરી રહી છે ત્યારે ગાંધીનગર નજીક આવેલાં ચિલોડા હાઇવે ખાતે પસાર થતી ટ્રકમાંથી બટાકાના કટ્ટા નીચે સંતાડેલો વિદેશી દારૃ અને બિયરનો જથ્થો પોલીસે ઝડપી પાડયો હતો. ૬૦૦ પેટી બોટલ તથા ટ્રક અને બિયરની સાથે ૩૧ લાખનો મુદ્દામાલ ઝડપી ત્રણ આરોપીઓને પકડી પાડવામાં આવ્યા હતા. જેમની સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
ગાંધીનગર જિલ્લામાં હાલ દારૃ અને બિયરની હેરાફેરી અટકાવવા માટે પોલીસ દ્વારા દોડધામ કરવામાં આવી રહી છે ત્યારે ગાંધીનગર જિલ્લામાંથી દારૃ ભરીને પસાર થઇ રહેલાં વાહનોને પકડી પાડવા ખાસ વોચ ગોઠવવામાં આવી રહી છે. ત્યારે ચિલોડા પોલીસ મથક દ્વારા બાતમીના આધારે હાઇવે ઉપર વોચ રાખવામાં આવી હતી તે વખતે હિંમતનગરથી આવતી રાજસ્થાન પાસીંગની ટ્રક (આર.જે.૦૬.જીએ.૧૬૦૭)ને રોકવામાં આવી હતી.
આ ટ્રકમાં બટાકાના કટ્ટા નીચે જુદી જુદી બ્રાન્ડની ૬૦૦ પેટી દારૃ પોલીસે જોતાં ચોકીં ઉઠી હતી. આમ ૧૬૫૪૦ વિદેશી દારૃની બોટલ તથા ટ્રક અને બિયર મળી રૃપિયા ૩૧ લાખના મુદ્દામાલ સાથે રાજેશકુમાર નરસિંહ ગુર્જર (રહે.એચ.એન. ૨૬૬,તા.સમાલખા, જિ.પાનીપથ, હરિયાણા) તથા પ્રદિપ સમેસીંગ છોકર તથા રાજીવ સમેસીંગ છોકર બંને રહે. પટ્ટી કલ્યાણા, જિલ્લો પાનીપથ, હરિયાણા)ને પકડી પાડયા હતા. આ દારૃનો જથ્થો સંતોષ રણવિરસિંહ ગુર્જર પાસેથી લાવ્યા હોવાનું આ ત્રણેય આરોપીઓએ કબુલ્યું હતું. આમ હરિયાણા ખાતેથી વેચાણ કરતાં અને ગુજરાતમાં વિદેશી દારૃ મંગાવનાર વ્યક્તિઓને શોધવા માટે ચિલોડા પોલીસે તપાસ હાથ ધરી છે.