ગાંધીનગરગુજરાત

શ્રાવણના સરવરીયાથી નગરમાં વરસાદી માહોલ

ગાંધીનગર, બુધવાર
ઉપરવાસમાં થયેલા અતિભારે વરસાદના પગલે ધરોઈ ડેમ ઓવરફ્લો થયો છે. આ ડેમમાંથી પપ હજાર ક્યુસેક પાણી છોડવામાં આવતાં ગાંધીનગરથી પસાર થતી સાબરમતી નદી બે કાંઠે વહેતી થઈ છે ત્યારે આ બે કાંઠે વહેતી નદી તેમજ પ્રથમવાર ભરાયેલા સંતસરોવરને જોવા માટે હાલ નગરજનો ઉમટી રહયા છે. ત્યારે વાદળછાયા વાતાવરણ વચ્ચે છેલ્લા ચાર દિવસથી હળવા વરસાદી ઝાપટા પડી રહયા છે.

આ વખતે ગાંધીનગરમાં ચોમાસાની સમગ્ર રાજ્ય કરતાં મોડી શરૃઆત થઈ હતી. ત્યારબાદ પણ સામાન્ય વરસાદથી ગાંધીનગર ભીંજાયું હતું. તો બીજા રાઉન્ડમાં પાટનગરમાં સારો એવો વરસાદ થતાં ૬૦ ટકા જેટલો વરસાદ બીજા રાઉન્ડમાં નોંધાયો હતો. ત્યારે મધ્યપ્રદેશ સહિત અન્ય રાજ્યોમાં સર્જાયેલા અપર સિસ્ટમને કારણે ગાંધીનગર પણ પ્રભાવિત થયું છે.

છેલ્લા પાંચ દિવસથી ગાંધીનગર શહેર અને જિલ્લામાં સતત વાદળછાયું વાતાવરણ રહયું છે અને આ માહોલ વચ્ચે હળવાં વરસાદી ઝાપટાં પણ પડી રહયા છે. જેના કારણે સતત ગાંધીનગર ભીંજાયેલું રહે છે. તો બીજી બાજુ ઉપરવાસમાં થયેલા અતિભારે વરસાદના પગલે ધરોઈ ડેમ ઓવરફ્લો થયો છે અને ડેમના દસ દરવાજા ખોલીને તેમાંથી પપ હજાર ક્યુસેક પાણી સાબરમતી નદીમાં છોડવામાં આવ્યું છે જેના કારણે ગાંધીનગરમાંથી પસાર થતી સાબરમતી નદી બે કાંઠે થઈ છે. તો સાથેસાથે સાબરમતી નદી ઉપર બાંધવામાં આવેલા સંત સરોવરમાં પણ પ્રથમવખત પાણી આવ્યું છે. સાત કીમી લાંબા આ સંત સરોવરમાં પ્રથમવખત પાણી ભરાતાં તેને વધાવવા માટે લોકો ઉમટી રહ્યા છે તો નદીમાં તેમજ સંત સરોવર પાસે કોઈ અનિચ્છનીય બનાવ ના બને તે માટે ખાસ તકેદારી રાખવા સૂચના પણ અપાઈ છે તેમજ નદીના પટમાં કોઈને નહીં જવા માટે આદેશ કરાયા છે. તો સંબંધિત અધિકારીઓને પણ હેડકવાર્ટસ નહીં છોડવા માટે સૂચના આપી દેવામાં આવી છે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x