બિનસચિવાલય પરીક્ષામાં ગેરરીતી મુદ્દે વિદ્યાર્થીઓની હુંકાર- પરીક્ષા રદ્દ નહી તો સરકાર પણ નહી..!
ગાંધીનગર
ગાંધીનગરમાં ઉઠેલા બિનસચિવાલય પરીક્ષા ના મુદ્દે આક્રોશ બાદ ગુજરાત સરકાર પોતાનો બચાવ કરવા મેદાનમાં ઉતરી હતી. વિદ્યાર્થીઓ તથા સોશિયલ મીડિયા પર ઘેરાયેલી રૂપાણી સરકાર નો ભારે વિરોધ થયો હતો. ત્યારે ગૃહરાજ્ય મંત્રી પ્રદીપ સિંહ જાડેજા એ પાણી વહી ગયા બાદ પાળ બાંધતા હોય તેમ પરીક્ષામાં થયેલી ગેરરીતિ મામલે કેવા એક્શન લેવાયા છે તેની માહિતી આપી હતી. જો કે વિદ્યાર્થીઓએ સ્પષ્ટતા કરતા જણાવ્યું કે, જ્યાં સુધી પરીક્ષા રદ્દ નહી થાય ત્યાં સુધી તેઓ ઘરે નહી જાય.
વિદ્યાર્થીઓ દ્વારા સરકારને પણ ચોખ્ખુ સંભળાવી દેવામાં આવ્યું હતું કે, જ્યાં સુધી પરીક્ષા રદ્દ કરવામાં નહી આવે ત્યાં સુધી તેઓ અહીંથી હટશે નહી. વિદ્યાર્થીઓએ ફ્લેશ લાઇટ ચાલુ કરીને સરકારનો વિરોધ કર્યો હતો. વિદ્યાર્થીઓએ સરકાર વિરોધી બેનરો દેખાડીને વિરોધ વ્યક્ત કર્યો હતો. બીજી તરફ વિદ્યાર્થીઓને સમજાવવા માટે આવેલા સંજય રાવલે પણ પ્રયાસ કર્યો હતો. જો કે વિદ્યાર્થીઓએ તેમને સરકાર તરફથી આવ્યા હોવાનું કહીને તેની વિરુદ્ધ સુત્રોચ્ચાર કર્યો હતો. જેથી સંજય રાવલે પણ ત્યાંથી ચાલતી પકડી હતી.
વિદ્યાર્થીઓ માત્ર પરીક્ષા રદ્દ કરવાની એક જ માંગ સાથે સમગ્ર વિસ્તાર ઘેરીને બેઠા છે. તો બીજી તરફ સરકાર દ્વારા કોઇ પણ સ્થિતીમાં પરીક્ષા રદ્દ કરવામાં નહી આવે તેવી સ્પષ્ટતા કરવામાં આવી છે. જેનાં કારણે હાલ ભારે અફડા તફડીની સ્થિતી છે. ગુજરાતમાં વિદ્યાર્થીઓનું આવું ભુતકાળમાં નવનિર્માણનું આંદોલન થયું હતું. તે સિવાય ગુજરાતમાં આવું ક્યારેય વિદ્યાર્થી આંદોલન થયું નથી. ત્યારે આ દ્રશ્યો જોતા હાલ નવનિર્માણની યાદ આવી રહી છે. વિદ્યાર્થીઓ કોઇ પણ ભોગે પરીક્ષા રદ્દ કરાવવા માટે મરણી બન્યા છે.