વડોદરા ગેંગરેપ મામલે અમદાવાદ ક્રાઇમ બ્રાંચ પણ તપાસમાં જોડાશે: ગૃહમંત્રી
વડોદરા
વડોદરામાં સગીરા પર ગેંગરેપનાં સમાચારે ચકચાર મચી દીધી છે. આજે સાતમાં દિવસે પણ બંન્ને આરોપીઓ પોલીસ પકડથી દૂર છે. ત્યારે રાજ્યનાં ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજા આ મામલામાં વાત કરવા માટે વડોદરા પોલીસને મળ્યાં છે. જ્યાં તેમણે વિશ્વાસ અપાવ્યો છે કે, આ બંન્ને નરાધમોને જલ્દીમાં જલ્દી પકડવામાં આવશે. વડોદરા પોલીસને જોઇતી તમામ મદદ કરવાની પ્રાથમિકતા છે. તેમણે આ અંગે વાત કરતા જણાવ્યું કે, ‘હું આજે પીડિતાનાં પરિવારને મળ્યો. પરિવારને વિશ્વાસ અપાવ્યો કે, તેઓ એકલા નથી અમે તેમની પડખે છીએ. પ્રસાશન કોઇપણ હિસાબે આવા ગુનેગારોને પકડીને કડકમાં કડકમાં કડક સજા કરશે. આવા નરાધમો કે જે નાની દીકરીઓને પોતાની વાસનાનો શિકાર બનાવે છે તેવા લોકોને ફાંસીની સજા થાય તેવી માંગ કરવાની છે.
આ કેસમાં અમે સ્પેશિયલ પીપીની નિમણૂંક કરવાનાં છે. ફાસ્ટટ્રેક કોર્ટમાં આ કેસ ચાલે તેવું કરવામાં આવશે. આખા રાજ્યમાં નાની દીકરીઓ પર આવું દુષ્કૃત્ય થાય તો તેને ત્રણથી ચાર મહિનામાં જ સજા થાય તેના માટે રાજ્યની ઉચ્ચ કમિટિ બનાવી છે. તેમાં રાજ્યનાં ચીફ સેકેટ્રી હોમ, ડાયરેટર જનરલ ઓફ પોલીસ, હોમ સેક્ટ્રરી, લો સેકરેટ્રીની ટીમ દર પંદર દિવસે આવી ઘટનાઓનું મોનિટરીંગ કરશે. તપાસ અધિકારી દ્વારા સમયસર આ કામગીરી પૂર્ણ કરવામાં આવે, ફોરેન્સિકમાં અગ્રીમતાને ધોરણે તેનો રિપોર્ટ કરવામાં આવે આખી ન્યાયિક પ્રક્રરિયાની અંદર હાઇકોર્ટને વિનંતી કરીને જે એમેન્ડેટ એક્ટ છે તે હેઠળ મહત્તમ સજા અપાવી શકીએ તે માટે આ કમિટિની રચના કરવામાં આવી છે. આ ઉપરાંત તેમણે કહ્યું કે, દીકરીનાં પરિવારને પણ મળવાપાત્ર સહાય પણ તેને ઝડપથી આપવામાં આવશે.
અમદાવાદ ક્રાઇમ બ્રાંચની મોટી ટીમ વડોદરા પોલીસની મદદમાં આપવામાં આવશે. મહત્વનું છે કે, નવલખી કંપાઉન્ડમાં આ સગીરા પોતાનાં મંગેતર સાથે બેઠી હતી. ત્યાં બે યુવાનોએ પોતે પોલીસ છે તેવી ઓળખાણ આપીને કિશોરીનાં મંગેતરને લાકડીઓથી માર માર્યો હતો. જે બાદ આ કિશોરીને ખેંચીને થોડે દૂર રહી ગયા હતાં. જ્યાં 45 મિનિટ સુધી સગીરા પર બંન્ને યુવાનોએ દુષ્કર્મ ગુજાર્યું હતું. જે બાદ તેઓ પીડિતાને ત્યાં જ મુકીને ફરાર થઇ ગયા હતાં. આ દરમિયાન મંગેતરે પોલીસને ફોન લાગ્યો ન હતો જેથી તેણે પોતાનાં મિત્રને ફોન કર્યો હતો. જે બાદ પોલીસને પણ જાણ કરવામાં આવી હતી. 14 વર્ષની સગીરાનાં વર્ણનને પોલીસે 3D આર્ટિસ્ટ પાસે નવા સ્કેચ તૈયાર કરાવ્યા છે. આ સ્કેચ આરોપીઓના ચહેરાથી 95 ટકા મેચ થયા છે.