હાર્દિક પટેલને સલાહ આપનારા આંદોલનના બની બેઠેલા નેતાઓ ખુદ મેદાન છોડી પાછલા બારણેથી ભાગ્યા
ગાંધીનગર :
બિન સચિવાલય ની પરીક્ષા માં થયેલી ગેરરીતિને લઇ ને પરીક્ષા રદ કરવા મુદ્દે વિદ્યાર્થીઓ દ્વારા ગાંધીનગરમાં જે આંદોલન ચલાવવામાં આવી રહ્યું છે આ આંદોલનના બની બેઠેલા બે પ્રતિનિધિઓએ સરકાર સાથેની વાટાઘાટો બાદ મીડિયાથી મોઢું છુપાવીને ભાગવાનો પ્રયત્ન કર્યો હતો, જેને લઇને તેઓ શંકાના ઘેરામાં આવ્યા હતા. એટલું જ નહીં આ બની બેઠેલા પ્રતિનિધિઓએ સરકાર સાથેની બંધબારણે બેઠક બાદ આંદોલન સમેટી લેવા અન્ય વિદ્યાર્થીઓને પણ સમજાવ્યું હતું પરંતુ વિદ્યાર્થીઓ ટસના મસ થયા ન હતા.
સરકાર સાથે આ બે યુવાનો જ્યારે વાત કરવા ગયા ત્યારે ત્યાંથી બહાર આવતી વખતે મીડિયાથી તેઓ દૂર રહેવા લાગ્યા જે શંકા ઉપજાવી મુકે તેવું હતું. ઉલ્લેખનીય છે કે જ્યારે પોતાની વાત સરકાર સુધી પહોંચાડવાની હતી ત્યાં સુધી તેઓ ભરપુર બોલ્યા પરંતુ જ્યારે સરકાર સાથે બંધ બારણે વાત કરી ત્યારે તે અંગે બોલવામાં તેમને શું તકલીફ થઈ હતી તેનો અંદાજ આવ્યો નહીં. જોકે તેમણે આ રીતે મોંઢું સંતાડીને જવું પડ્યું તે અંગે હાલ જાહેર ચર્ચાઓ જાગી છે. લોકો, વિદ્યાર્થીઓ, નેતાઓ પણ તેમની આ મોંઢું સંતાડવાની વીડિયો ક્લીપ જોઈ શંકાઓ કરી રહ્યા છે. જોકે બીજી તરફ જે ટોળું પહેલા પણ કોઈ નેતાનું મહોતાજ ન હતું તે ટોળું હજું પણ પરીક્ષા રદ્દ કરવાની માગ સાથે અડગ છે.
સરકાર સાથે બંધબારણે થયેલી બેઠક બાદ રણ મેદાન છોડીને ભાગનારા આ બની બેઠેલા નેતાઓએ આજે જ્યારે હાર્દિક પટેલે છાવણીની મુલાકાત લીધી હતી ત્યારે તેઓએ હાર્દિક પટેલને જાકારો આપ્યો હતો એટલું જ નહિ પરંતુ હાર્દિક ને સુફિયાણી સલાહ આપી હતી. ત્યારે હવે હાર્દિકને સલાહ આપનારા આ બની બેઠેલા નેતાઓ જ્યારે ખુદ રણમેદાન છોડી ને ભાગી રહ્યા છે ત્યારે તેમના પ્રતિનિધિત્વ ઉપર શંકાના વાદળો ઘેરાયા છે. જોકે વિદ્યાર્થીઓ તો હજુ પણ પોતાની માંગ પર અડગ છે. સરકાર પરીક્ષા રદ કરે એવી માંગ લઇને હજુ પણ વિદ્યાર્થીઓ ગાંધીનગરમાં ધરણા પર બેઠા છે ત્યારે હાર્દિક પટેલે અત્યારે રાત્રે બીજી વખત આંદોલન કરી રહેલા વિદ્યાર્થીઓની મુલાકાત લીધી અને તેમને સંબોધ્યા હતા.