કલોલના ફાયર વિભાગમાં નવી એમ્બ્યુલન્સ ધૂળ ખાઈ રહી છે!
કલોલ, રવિવાર
કલોલ નગરપાલિકાના ફાયર વિભાગમાં કલચ પ્લેટના ફોલ્ટને કારણે નવી એમ્બ્યુલન્સ ધુળ ખાઈ રહી છે. જ્યારે બીજી એમ્બ્યુલન્સ વાનને સ્પેરવ્હીલ નહીં હોવાથી તેનું ટ્રાવેલીંગ લોકલ એરીયા પુરતુ મર્યાદિત છે. જેથી દુરના અંતરે દર્દીને લઈ જવા માટે ફોન આવેતો શું જવાબ આપો તે અંગે ફાયર વિભાગ ખુદ દ્વિધામાં છે.
કલોલ નગરપાલિકાના ફાયર વિભાગમાં હાલમાં એક જ એમ્બ્યુલન્સ કાર્યરત છે અને તેનું ટ્રાવેલીંગ પણ લોકલ એરીયા પુરતું મર્યાદિત છે. એમ્બ્યુલન્સમાં સ્પેરવ્હીલ નહીં હોવાથી દર્દીને દુરના અંતરે લઈ જવામાં રસ્તામાં જ પંકચર પડે તો બીજુ વ્હીલ કયાંથી લાવવું? આ મુશ્કેલીને કારણે એમ્બ્યુલન્સ લોકલ વિસ્તારમાં જ ફરે છે.
ત્યારે ફાયર વિભાગમાં બીજી એક નવી એમ્બ્યુલન્સ ધુળ ખાતી પડી રહી છે. જાણવા મળ્યા મુજબ આ એમ્બ્યુલન્સ વાનની કલચ પ્લેટોમા ફોલ્ટ થયો હોવાથી બંધ છે. છતાં પણ હજુ સુધી રીપેરીંગ કામ કરાવાતું નથી. રીપેરીંગના અભાવે દુરના અંતરની ઈમરજન્સીમાં મુસીબતો સર્જાય છે. જેના લીધે દર્દીઓને હેરાનગતી સહન કરવી પડે છે. દુરના અંતરે કોઈ દર્દીને ઈમરજન્સીમાં લઈ જવાનો ફોન આવે તો સુવિધાના અભાવે ફાયર વિભાગ દ્વારા નનૈયો ભણી દેવામાં આવે છે.
જો કે સ્પેર વ્હીલ વગરની એમ્બ્યુલન્સ પણ દુરના અંતરે આવેલી હોસ્પિટલ સુધી જાય તેવી સ્થિતિમાં નહીં હોવાથી ફાયર વિભાગ પણ હવે શું જવાબ આપવો તે અંગે દ્વિધા અનુભવે છે. જેથી નગરપાલિકા તંત્ર ઈમરજન્સીનો મતલબ સમજી નવી એમ્બ્યુલન્સને રીપેરી કરાવે અને બીજી એમ્બ્યુલન્સનું સ્પેરવ્હીલ લગાવી દેતો દર્દીઓને ઈમરજન્સીમાં ઘણી રાહત થાય તેમ છે.