ગુજરાત

મનપાની કારોબારીમાં વધારાના કામના બહાના હેઠળ ભ્રષ્ટાચારની બોલબાલા

ભાવનગર, રવિવાર
મહાનગરપાલિકાની કારોબારી કમિટિ દ્વારા અગાઉ અપસેટ પ્રાઇઝ કરતા નીચી ટકાવારીએ કામ આપી પાછળથી વધારાના કામના બહાના હેઠળ લાખોનું આંધણ કરવામાં આવતું હોવાનું સુત્રોમાંથી જાણવા મળ્યું હતું. આ રીતે દર વર્ષે કરોડોની ગેરરીતિ આચરવામાં આવતી હોવાનું ચર્ચાય છે.

ભય, ભુખ અને ભ્રષ્ટાચારને હટાવવાના વચન સાથે સત્તામાં આવેલા ભાજપના શાસકો ભ્રષ્ટાચાર આચરવામાં પાછુ વળીને જોતા નથી. મનપામાં ભાજપના શાસકો દ્વારા કન્સલટન્ટ અને એક્સેસ કામના નામે લાખોનો ખર્ચ પાડવામાં આવે છે. ચાલુ વર્ષ અત્યાર સુધીમાં જુદા જુદા આવા ૧૫ કરતા વધુ કામોમાં વધારાનો ખર્ચ નાખી દલા તરવાડીવાળી કરવામાં આવી છે. કાલે સોમવારે મળનારી કારોબારીમાં ૫૮ લાખ અને ૩૧ લાખના વધારાના કામનો ઠરાવ લેવામાં આવ્યો છે જેમાં મોટો વહિવટ થયાનું ખુદ ભાજપના સભ્યોમાં ચર્ચાય રહ્યું છે.

કોઇપણ કામમાં કન્સલટન્ટ નીમીને તેની તગડી ફિ ચુકવવામાં આવે છે. આજ કન્સલટન્ટ એક વાર કુલ ખર્ચ નક્કી કર્યા પછી પદાધિકારીઓની સૂચનાથી ડીઝાઇન ફેરફારના નામે લાખોની રકમ ઉમેરે છે તેની ફિ પણ ટકાવારી પ્રમાણે વધારી દેવાય છે. કારોબારીમાં આવા ઠરાવો ઝાઝી ચર્ચા વગર પાસ કરી દેવાય છે. શિસ્તના નામે સભ્યોનો અવાજ દબાવી દેવામાં આવે છે. મોટાભાગના સભ્યો ઠરાવની ફાઇલ ક્યારેય વાંચતા નથી. આવા કૌભાંડમાં અધિકારીઓ અને પદાધિકારીઓ વચ્ચે અદ્ભૂત સંકલન રાખવામાં આવે છે અને યોજના મુજબ ભ્રષ્ટાચાર શિષ્ટાચારની રીતે આચરવામાં આવે છે.

આવું જ વધારાના કામના બહાના હેઠળ લાખોની ગેરરીતિ કરવામાં આવે છે. પહેલા અપસેટ પ્રાઇઝ કરતા ૨૦થી ૪૨ ટકા સુધી નીચા ભાવે કામ આપવામાં આવે છે. નફો કેટલો મળતો હશે તે ભગવાન જાણે ! પાછળથી વધારાના કામ અને કામમાં ડિઝાઇન ફેરફારના નામે લાખોના વધારાના બીલોને મંજૂરી આપી રોકડી કરવામાં આવે છે. શા માટે પહેલેથી કમાન ભાવે ટેન્ડર પાસ કરવામાં આવે છે ? અગાઉ ૧૯૯૫થી ૨૦૦૫ સુધી હંમેશા પસ્તી ભાવે ટેન્ડર પાસ થતા હતા અને કામ ટનાટન થતા હતા આજે ૪૨ ટકા નીચા ભાવે કામ આપીને કેવી ક્વોલીટી જળવાશે તે પ્રજા જાણે છે.

૨૦૧૭ની ચૂંટણી નજીક છે. વિપક્ષ કોંગ્રેસ ધારે તો મનપામાં જ ભાજપના ભ્રષ્ટ શાસકોની લગાતાર ૬ માસ સુધી ચાલે તે રીતની પોલ ખોલી શકે તેમ છે. શહેર ભાજપ સંગઠન પણ દુધે ધોયેલુ નથી, પ્રદેશ ભાજપ પ્રમુખના ગામમાં જ ભ્રષ્ટાચાર ફુલ્યો ફાલ્યો છે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x