ભોળાનાથને ભજવા માટે શ્રાવણ માસનો આજે છેલ્લો સોમવાર
ગાંધીનગર,રવિવાર
શીવજીની પૂજા અને આરાધનાનો અવસર એટલે પવિત્ર શ્રાવણ માસ, શીવજીની અર્ચના કરી પુણ્ય કમાવવા ભક્તો વિવિધ પ્રયાસો કરતા હોય છે. ભક્તો શીવલીંગ ઉપર બીલીપત્ર, દૂધ, જળ, પુષ્પ, કાળા તલનો અભિષેક કરવા ઉપરાંત લધુરૃદ્ર, શીવવંદના પાઠ તેમજ શીવમહિમ્ન સ્ત્રોત્રનું પણ ઠેર ઠેર આયોજન કરવામાં આવનાર છે. ત્યારે શ્રાવણ માસના છેલ્લા સોમવાર પ્રસંગે શિવાલયોને પણ સજાવવામાં આવ્યાં છે.
સમગ્ર શ્રાવણ માસ દરમિયાન શિવભક્તોએ પણ વિવિધ પ્રહરની પુજા અર્ચના કરીને આ માસની ઉજવણી કરી છે ત્યારે ટૂંક સમયમાં જ શ્રાવણ માસની પુર્ણાહૂતિ થવાની છે ત્યારે શિવભક્તો પણ શ્રાવણ માસના પવિત્ર ગણાતાં દિવસ એવા સોમવારે અભિષેક અને અલગ અલગ પ્રકારની પુજાઓ સાથે આ દિવસની પણ ઉજવણી કરતાં હોય છે.
આ વર્ષે શ્રાવણ માસમાં ચાર સોમવાર આવ્યા છે ત્યારે અંતિમ સોમવારના દિવસે શહેર અને જિલ્લાના તમામ શિવાલયોને પણ ઉજવણી અંતર્ગત સજાવવામાં આવ્યા છે તો આવતીકાલે પવિત્ર શ્રાવણ માસનો છેલ્લો સોમવાર હોવાથી તમામ મહાદેવ મંદિરોમાં લઘુરૃદ્ર તેમજ રૃદ્રાભિષેક અને શિવમહિમ્ના પાઠની સાથે સાથે યજ્ઞા પણ યોજાશે. આમ શ્રાવણ માસના છેલ્લા સોમવારે ગાંધીનગર શહેર અને જિલ્લાના શિવાલયો ઓમ નમઃ શિવાયના નાદથી ગુંજી ઉઠશે. ત્યારે શિવ મંદિરોમાં પણ ચાર પ્રહરની પૂજા તથા મહાઆરતી સહિત પુષ્પ અભિષેક જેવા વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું પણ શહેરમાં આયોજન કરવામાં આવ્યું છે.
શ્રાવણ માસના તમામ દિવસોમાં શિવભક્તો વહેલી સવારથી જ મહાદેવ મંદિરમાં જઇને પુજા અર્ચના કરતાં હોય છે ત્યારે મંદિરોમાં પણ સોમવારની ભીડને ધ્યાને રાખીને અભિષેક તથા યજ્ઞા માટેની વ્યવસ્થા પણ ઉભી કરવામાં આવી છે. આમ સમગ્ર શ્રાવણ માસ દરમ્યાન શિવભક્તો દિવસ દરમ્યાન શિવજીની પૂજા અર્ચના કરી ધન્યતા પ્રાપ્ત કરશે