મહારાષ્ટ્ર ભાજપ માં બળવો: પાર્ટી વિરુદ્ધ પંકજા અને ખડસે એ ખોલ્યો મોરચો
મુંબઈ
મહારાષ્ટ્રમાં સત્તા ગુમાવ્યા બાદ મહારાષ્ટ્ર ભાજપમાં થયેલો બળવો સપાટી પર આવી ગયો છે. મહારાષ્ટ્ર ભાજપના નેતા દેવેન્દ્ર ફડનવીસ સામે ભાજપના દિગ્ગજ નેતા ગોપીનાથ મુંડેના પુત્રી પંકજા મુંડે અને અન્ય એક વરિષ્ઠ નેતા એકનાથ ખડેસેએ ખુલ્લેઆમ મોરચો માંડી દીધો છે. પંકજાએ આજે યોજાયેલી એક રેલીમાં ફડનવીસ પર પ્રહારો કરતા કહ્યુ હતુ કે, કેટલાક નેતાઓની ટિકિટ કાપવાનો નિર્ણય રાજ્યકક્ષાએ લેવાયો હતો ત્યારે ફડનવીસને હવે ચૂંટણીમાં પાર્ટીએ કરેલા પ્રદર્શનની જવાબદારી લેવી જોઈએ.
પંકજા મુંડે પણ આ વિધાનસભા ચૂંટણીમાં હારી ગયા છે. એ પછી તેમણે પાર્ટી સામે બાગી તેવર અપનાવેલા છે. બીજી વરિષ્ઠ નેતા એકનાથ ખડસેએ પણ કહ્યુ હતુ કે, પોતાના જ નેતાઓએ મારી પીઠમાં ખંજર ભોંગ્યુ છે. દરમિયાન મહારાષ્ટ્ર ભાજપના પ્રમુખ ચંદ્રકાંત પાટિલ રેલીમાં બોલવા માટે ઉભા થયા ત્યારે લોકોએ તેમનો હુરિયો બોલાવ્યો હતો.
તે સમયે પકંજા મુંડેને લોકોને શાંત રહેવા માટે અપીલ કરવી પડી હતી. દરમિયાન પાટીલે કહ્યુ હતુ કે, પંકજા મુંડને અમે મનાવી લઈશું.ભાજપનો દરેક નેતા પરિવારનો સભ્ય જેવો છે. એકનાથ ખડસે પણ નારાજ છે પણ અમે તેમની પુત્રીને ટિકિટ આપી હતી. જોકે અમારી અપેક્ષા પ્રમાણે ચૂંટણીના પરિણામ આવ્યા નહોતા. દરેકની નારાજગી દુર થશે. આ ઘરની લડાઈ છે, તેને રસ્તા પર લાવવી યોગ્ય નથી.