માઇ ભક્તો માટે ગાંધીનગરથી અંબાજીની ૧૨૦ બસો દોડાવાશે
ગાંધીનગર,ગુરુવાર
ભાદરવી પુનમના દિવસે અંબાજી ખાતે મોટો મેળો ભરાય છે અને સમગ્ર ગુજરાતમાંથી લાખો માઇભક્તો માતાજીના દર્શનાર્થે પગપાળા અંબાજી જાય છે ત્યારે આ પદયાત્રીઓને ઘરે પરત ફરવા માટે ગાંધીનગર ડેપો દ્વારા ૧૨૦થી વધુ બસો દોડાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. ભાદરવા સુદ પુનમના દિવસે અંબાજી ખાતે ભવ્ય મેળો ભરાશે ત્યારે હાલમાં સમગ્ર ગુજરાતમાંથી લાખો માઇ ભક્તો વિવિધ સંઘો સાથે પગપાળા અંબાજી તરફ પ્રયાણ કરી ચુક્યાં છે. દર વર્ષે પદયાત્રીઓની સંખ્યામાં પણ વધારો નોંધાઇ રહ્યો છે ત્યારે તંત્ર દ્વારા માઇભક્તોને સુવિધા મળી રહે તે માટેનું આયોજન ગોઠવવામાં આવતું હોય છે. રાજ્યના પાટનગરમાંથી પણ અસંખ્ય માઇ ભક્તો અંબાજી તરફ જવા માટે પ્રસ્થાન કરી ચુક્યા છે તો તેમને માતાજીની દર્શન કર્યા બાદ પરત ફરતી વખતે બસની સુવિધા મળી શકે તે માટે ગાંધીનગર ડેપો દ્વારા પણ આયોજન હાથ ધરવામાં આવ્યું છે.
તે અંગે ડેપો મેનેજર કિર્તન પટેલે જણાવ્યું હતું કે, તા.૯ સપ્ટેમ્બરથી ગાંધીનગ અંબાજી તરફની વધારાની બસો દોડાવવામાં આવશે. તા. ૧૦મીએ ૧૦ બસો તથા તા.૧૧મીએ ૧પ અને બાકીના દિવસોમાં રોજીંદી ૩૦ જેટલી બસો અંબાજી તરફ દોડાવવામાં આવશે. ઉપરાંત જે સંઘો દ્વારા બસોની માંગણી કરવામાં આવી છે તેમના માટે પણ ડેપો તંત્ર દ્વારા વધારાની બસો ફાળવવાનો નિર્ણય પણ કરાયો છે. આમ તા.૯ થી ૧૪ સપ્ટેમ્બર સુધી ગાંધીનગર ડેપો દ્વારા ૧૨૦ થી વધુ બસોની ટ્રીપો અંબાજી તરફ દોડાવાશે જેથી માઇભક્તોને પણ પરત ફરતી વખતે મુશ્કેલી પડી શકે નહી.