દેવીપૂજકોની સભા યોજાય તે પહેલા જ ર૦૦ની અટકાયત
ગાંધીનગર,ગુરૃવાર
રાજ્યના પાટનગર ગાંધીનગર શહેરમાં દેવીપૂજક સમાજ દ્વારા એસટીમાં સમાવવાની માંગ સાથે રેલી યોજવાનું નક્કી થયું હતું પરંતુ તંત્રએ મંજુરી નહીં આપવા છતાં આ રેલી યોજવાનું નક્કી કરાયું હતું ત્યારે આજે સવારથી જ પોલીસે સમાજના આગેવાનોની અટકાયતનો દોર શરૃ કર્યો હતો અને બપોર સુધીમાં ર૦૦ જેટલા વ્યક્તિઓની અટકાયત કરીને સે-ર૭ પોલીસ હેડકવાર્ટસ ખાતે લઈ જવાયા હતા અને મોડી સાંજ સુધી સત્યાગ્રહ છાવણી ખાતે ચાંપતો પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો.
દેવીપૂજક સમાજ દ્વારા પણ એસટીમાં સમાવવાની માંગ સાથે બે દિવસ માટે ગાંધીનગરમાં સંમેલન અને રેલી ધરણાંનું આયોજન કરવામાં આવ્યું હતું. જે માટે રેલી અને સભા માટે જિલ્લા વહીવટી તંત્ર પાસેથી મંજુરી માંગવામાં આવી હતી. જો કે પોલીસે હાલની સ્થિતિ અને કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિને ધ્યાને રાખી મંજુરી આપવાનો ઈન્કાર કર્યો હતો. જેને પગલે મામલતદાર દ્વારા આ રેલીને મંજુરી આપવામાં આવી નહોતી ત્યારે વિરાટ દેવીપૂજક સંઘ દ્વારા મંજુરી નહીં હોવા છતાં રેલી યોજવાનું અને જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપવાનું નક્કી કર્યું હતું. જેના પગલે ગઈકાલ રાતથી જ જિલ્લા પોલીસ એલર્ટ થઈ ગઈ હતી અને દેવીપૂજક સમાજના આગેવાનો તેમજ લોકોને શોધવા માટે દોડધામ શરૃ કરી દીધી હતી. આજે સવારે વિરાટ દેવીપુજક સંઘના પ્રમુખ રૃપસંગભાઈ ભરભીડીયાની સે-૪ના તેમના નિવાસસ્થાનેથી જ અટકાયત કરી લેવાઈ હતી તો સે-૧૧માં પણ એકઠાં થયેલા સો જેટલા સમાજના લોકોની અટકાયત કરી લેવાઈ હતી. તો એકલ-દોકલ આવતાં લોકોને પણ પોલીસ વાનમાં બેસાડી દેવામાં આવ્યા હતા. કોઈપણ સંજોગોમાં રેલી ના થાય તે માટે પોલીસ દ્વારા ચાંપતો સલામતી બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. સત્યાગ્રહ છાવણી ખાતે આ બંદોબસ્ત મોડી સાંજ સુધી રાખવામાં આવ્યો હતો. પોલીસે કુલ ર૦૦ જેટલા લોકોની અટકાયત કરી હતી અને ત્યારબાદ તેમને મુક્ત કરવામાં આવ્યા હતા.