પરીક્ષામાં ગેરરીતિ મુદ્દે વિદ્યાર્થીઓની જીત, બિન સચિવાલય પરીક્ષા અંતે રદ્દ
ગાંધીનગર
અંતે બિન સચિવાલય પરીક્ષા ને લઈને થયેલા આંદોલનકારી વિદ્યાર્થીઓની જીત થઈ છે. બિન સચિવાલયની પરીક્ષાને રાજ્ય સરકારે રદ કરી છે.બિનસચિવાલય ક્લાર્કની પરીક્ષામાં ગેરરિતી થઈ હોવાના અહેવાલો બાદ સરકારે રચેલી સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન (SIT)ના રિપોર્ટ બાદ ગુજરાત સરકારે મોટો નિર્ણય લીધો છે. સરકારે આ પરીક્ષા રદ કરવાનો નિર્ણય જાહેર કર્યો છે. આ મામલે આજે ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ ગાંધીનગરમાં પત્રકાર પરિષદમાં જણાવ્યું કે, વિદ્યાર્થી આગેવાનોએ પુરાવારૂપે 10 જેટલા મોબાઈલ, સીસીટીવી આપ્યા હતા, જેની FSL દ્વારા ચકાસણી કરવામાં આવી છે. સીસીટીવીમાં પરીક્ષાર્થીઓ એકબીજાને પૂછીને અને ચાલુ પરીક્ષાએ મોબાઈલમાં જોઈને જવાબો લખતા જોવા મળ્યા હતા. પેપરલીક કરવામાં સંડોવાયેલા શખ્સો સામે ગાંધીનગરમાં પોલીસ ફરિયાદ નોંધાશે. તેમજ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ અને એટીએસ તપાસમાં જોડાશે.
ગુજરાતમાં ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા બિન સચિવાલયની પરીક્ષા લેવાઇ હતી. આ પરીક્ષામાં 6 લાખ કરતા વધુ પરીક્ષાર્થીઓએ ભાગ લીધો હતો. આ પરીક્ષાના સંદર્ભમાં પરીક્ષા દરમિયાન કેટલાક વિદ્યાર્થીઓએ પરીક્ષાનું પેપર લીક થવા મામલે રજૂઆત કરી હતી. કેટલાક ક્લાસમાં ગેરરીતિ અને કોપી જેવા કિસ્સાઓ આ જે પરીક્ષાર્થીઓના આગેવાનો યુવરાજ સિંહ જાડેજા, હાર્દિક પ્રજાપતિ અને ભાવસિંહ, યુવરાજ ગોહિલ સાથેની સમગ્ર ટીમ હતી તેમના દ્વારા આ રજૂઆત કરવામાં આવી હતી. આ રજૂઆતની તિવ્રતા જોતા મુખ્યમંત્રી રૂપાણીએ પરીક્ષાર્થીઓને આશ્વાસન આપ્યુ હતું કે રાજ્ય સરકારે 10 લાખ કરતા વધુ લોકોની ભરતી કરી છે. યુવાઓને સરકારી નોકરી મળે તે માટે રાજ્ય સરકાર કટીબદ્ધ છે. આ જ દિવસ સુધીની પ્રક્રિયા અમે પૂર્ણ કરી છે અને આ પ્રક્રિયા પણ અમે પૂર્ણ કરીશું. અમે સ્પેશ્યલ ઇન્વેસ્ટીગેશન ટીમ બનાવી અને SITને આ મુદ્દા આપીશું. આ પેપર લીક થયાની ઘટના બની છે કે કેમ અને પરીક્ષા દરમિયાન કોઇ ગેરરીતિની ઘટના બની છે કે કેમ. સીસીટીવી ફૂટેજ દ્વારા SITને મૌખિક રજૂઆતો મળી હોય અને SITને જરૂરી લાગે તો ગૃહ વિભાગ અને ફોરેન્સીક લેબોરેટરીની મદદ લઇ આવી કોઇ ઘટના બની હોય જેના કારણે છેલ્લા કેટલાક મહિનાઓથી તૈયારી કરતા વિદ્યાર્થીઓને અન્યાય ના થાય કોઇ ખોટો તેનો લાભ ના લઇ જાય. જેની માટે SITની રચના કરવામાં આવી હતી.