સતત ગેરહાજર રહેતા વિદ્યાર્થીની આચાર્યએ જાણ કરવાની રહેશે
ગાંધીગનર,.શનિવાર
ગાંધીનગર જિલ્લામાં મેલેરિયા અને ડેન્ગ્યુ સામેની સઘન ઝૂંબેશ અંતર્ગત સરકારી કે ખાનગી શાળાઓમાં તાવ જેવા કારણોસર કોઈપણ બાળકની સતત ગેરહાજરી અંગે આરોગ્ય વિભાગ કે નજીકના દવાખાનામાં જાણ કરવા આચાર્યોને તાકીદ કરવામાં આવી છે. આ ઉપરાંત શાળામાં મચ્છરજન્ય રોગ સામે જાગૃતિ આવે તેવા કાર્યક્રમો યોજવા માટે પણ શિક્ષણ તથા આરોગ્ય વિભાગે સંયુક્ત પરિપત્ર કર્યો છે.
તબીબી અધિકારીઓ દ્વારા શાળા આચાર્યોની સમયાંતરે બેઠક બોલાવીને જરુરી માર્ગદર્શન આપવા સાથે દિવાળી વેકેશન સુધીમાં સતત ગેરહાજર રહેનાર વિદ્યાર્થીઓ અંગે જાણ કરવા તાકીદ કરવામાં આવી હતી. તાવ કે અન્ય રોગચાળાના કારણે ત્રણ દિવસ બાળક ગેરહાજર રહે તા બાળકની જાણ આચાર્યએ નજીકના દવાખાને કરવાની રહેશે.જેથી નજીકના દવાખાને આ બાળકને તાત્કાલિક સારવાર આપવામાં આવશે. આ ઉપરાંત આરોગ્ય અને શિક્ષણ વિભાગે આ અંગે ખાસ સંયુક્ત પરિપત્ર કર્યો છે. જેના ભાગરૃપે જિલ્લાની શાળાઓમાં મેલેરિયા સામે લોકજાગૃતિ માટે વિવિધ રમતો, વક્તૃત્વ સ્પર્ધા, ભવાઇ અને નાટકો કરવા ઉપરાંત ભીંતપત્રો, પત્રિકા તેમજ જાહેરખબર દ્વારા વ્યાપક પ્રચાર-પ્રસાર કરી મચ્છરોના સંભવીત ઉપદ્રવ સામે સઘન ઝૂંબેશ હાથ ધરવા સુચના આપવામાં આવી છે. આ ઉપરાંત આ દિવસો દરમિયાન વિદ્યાર્થીઓને આખી બાયના યુનિફોર્મ પહેરવા દેવા માટે પણ છુટ આપવામાં આવી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, રાજ્યવ્યાપી મેલેરિયા વિરોધી ઝુંબેશનો પ્રથમ તબક્કો પૂર્ણ થયા બાદ આગામી દિવસોમાં બીજો તબક્કો શરૃ થશે.