ગાંધીનગરગુજરાત

ગાંધીનગર-અંબાજી માર્ગ માંઇભક્તોથી છલકાયો

ગાંધીનગર,રવિવાર
ગુજરાતના શક્તિપીઠ એવા અંબાજીનો સૌથી મોટો મેળો એટલે ભાદરવી પુનમનો આ દિવસે સમગ્ર ગુજરાતમાંથી લાખોની સંખ્યામાં ભાવીક ભક્તો પગપાળા આવીને માંના દર્શન કરવા જાય છે. છેવાડાના વિસ્તારમાંથી આવતાં પદયાત્રીઓ સહિત વાહન અને સાયકલ સવારો પણ ઉત્સાહભેર માતાજીના દર્શન કરવા માટે નીકળી પડતાં હોય છે. ગાંધીનગર જિલ્લામાંથી પસાર થતાં અંબાજી તરફના માર્ગો ઉપર તેરસ સુધી શ્રધ્ધાનું ઘોડાપુર જોવા મળતું હોય તે પ્રમાણે હજારોની સંખ્યામાં પદયાત્રીઓ પસાર થતાં હોય છે. આમ ગાંધીનગરથી અંબાજી તરફનો માર્ગ જય અંબેના નાદથી ગુંજતો જોવા મળી રહ્યો છે.

ગાંધીનગરથી ગોઝારીયા સહિત અંબાજી તરફ જતાં નોમના દિવસે માર્ગ ઉપર ભક્તિભાવપૂર્વક શ્રધ્ધાના ઘોડાપુર ઉમટી પડયા હતા. આમ શુક્રવારે પૂનમના દિવસે મેળામાં જવા માટે સમગ્ર ગુજરાતના પદયાત્રીઓ મોટી સંખ્યામાં ઉત્સાહપૂર્વક મા જગદંબાના દર્શન કરવા ઉમટી પડેલા પદયાત્રીઓથી આ માર્ગો છલકાઇ ઉઠયા હતા. અત્યાર સુધી ભાવિકભક્તોની ઓછી રહેલી સંખ્યા બાદ નોમથી યુવાનો તેમજ ગ્રામીણ મહિલાઓની ધ્યાન ખેંચતી હાજરી વચ્ચે ઉમટી પડેલા પદયાત્રીઓની સેવા કરવામાં સેવા કેન્દ્રોના ભાવિકો ધન્યતા અનુભવી રહ્યા છે.

ગાંધીનગરથી ગોઝારીયા સહિત માર્ગ સુધીનો માર્ગ પદયાત્રીઓથી છલકાઇ ગયો હતો. આમ અંબાજીના ભાદરવી પુનમ મેળાનો દિવસ જેમ જેમ નજીક આવતો જાય છે તેમ મોટી સંખ્યામાં શ્રધ્ધાળુઓ અંબાજીના માર્ગો તરફ જતાં જોવા મળી રહ્યા છે. આ માર્ગો ઉપર નાના મોટા સહિત વડીલો તેમજ મહિલાઓ અને યુવાનોની નોંધપાત્ર પ્રમાણમાં જોવા મળતી સંખ્યા સામે શહેરીજનો અને શહેરી યુવતિઓ ઘણા ઓછા પ્રમાણમાં જોવા મળે છે. ભરુચ, સોજીત્રા, ધોળકા, અમદાવાદ,રાજકોટ, ઉનાવા, વાવોલ અને અન્ય સ્થળોના પદયાત્રીઓનો ઉત્સાહપણ અનેરો જોવા મળી રહ્યો છે. ઘણી મોટી સંખ્યામાં બેબી ટ્રોલી સાથે ઉમટી પડેલા દંપત્તિઓ ઉપરાંત સાઇકલ સવારો પણ મોટી સંખ્યામાં અંબાજી તરફ જઇ રહ્યા છે.

ગાંધીનગરથી ગોઝારીયા સુધીના માર્ગની બંને બાજુએ અંદાજે ૬૦ જેટલા સેવા કેન્દ્રો દ્વારા પદયાત્રીઓની સેવા કરવામાં આવી રહી છે. જેમાં ન્હાવા-ધોવાની સુવિધાથી લઇ નાસ્તો, ભોજન અને પ્રસાદ ઉપરાંત ચા-પાણી, છાશ, શરબત વગેરે ભાવપૂર્વક પીરસી પદયાત્રીઓની ઉત્સાહપૂર્વક સેવા કરવામાં આવી રહી છે. જો કે, આ વર્ષે પદયાત્રીઓના ઉત્સાહ કરતાં સેવા કેન્દ્રોના ભાઇ-બહેનોમાં વધારે ઉમંગ જણાઇ રહ્યો છે. જો કે, મોટા ભાગના સેવા કેન્દ્રોની આસપાસ કચરા અને ગંદકીનું સામ્રાજ્ય છવાઇ ગયું છે. જેમાં ખાસ કરીને પ્લાસ્ટીકના ગ્લાસ, પડીયા, ચમચીઓ, પડીકીઓ વગેરેના કચરાથી માર્ગો પર ચાલતા પદયાત્રીઓને પણ ઘણી મુશ્કેલીઓ વેઠવી પડે છે.

આ માર્ગ ઉપર ઉમટેલા શ્રદ્ધાના ઘોડાપુરમાં આ વખતે માતાજીના રથ ઘણી ઓછી એટલે કે, જૂજ સંખ્યામાં જ જોવા મળી રહ્યા છે. ગાંધીનગર સહિત અન્ય વિસ્તારના સાયકલ સવારો પણ મોટી સંખ્યામાં અંબાજી તરફ પ્રસ્થાન કરી રહ્યાં છે. આમ છતાં આ પદયાત્રામાં માથે થેલા કે પોટલા મુકીને ખુલ્લા હાથે ચાલતી ગ્રામીણ મહિલાઓનો ઉત્સાહ પદયાત્રીઓને જોમ પુરો પાડતી હતી.

આ સમગ્ર માર્ગ ઉપર ચા-પાણી, પાન-મસાલા અને ફળફળાદીની લારીઓવાળા પણ મોટી સંખ્યામાં કમાણી કરી રહ્યાં છે જ્યારે ખેસ, ધજા, ટુવાલ-નેપકીન, જર્સી, ચપ્પલ સહિત વિવિધ વસ્તુઓનું વેચાણ કરનારાઓને પણ તડાકો પડયો છે. આ પદયાત્રામાં મોટાભાગના સંઘો દ્વારા ડ્રેસ કોડ, ઓળખકાર્ડ, ટોપી વગેરે આકર્ષણનું કેન્દ્ર બની રહ્યાં છે. ત્યારે રાજકોટના આઇ શ્રી અંબા-ખોડિયાર મંદિરથી અંબાજી તરફ જઇ રહેલાં સંઘના ભક્તો પણ સમગ્ર માર્ગ ઉપર આકર્ષણનું કેન્દ્ર બન્યા હોય તેમ આ માંઇ ભક્તો એક જ ડ્રેસ કોર્ડમાં અલગ અલગ વેશ પરિધાન કરીને પદયાત્રા કરી રહ્યાં છે. સૌરાષ્ટ્રના વિવિધ વસ્ત્રોમાં સજ્જ થઇને પસાર થતાં આ સંઘના ભાઇ-બહેનો બોલ મારી અંબે …. જય જય અંબે કહીને આગળ વધી રહ્યાં છે. ઉપરાંત એકલાં બે પાંચના જૂથમાં થતાં પોટલીયા સંઘો પણ મોટી સંખ્યામાં અંબાજી તરફ જતાં હોય છે.

જેઓ માતાજી પ્રત્યેની શ્રધ્ધા અને ભક્તિની સાથે ચાલતાં જોમ સાથે અનેરા ઉત્સાહથી જતાં પસાર થયા હતા. આ પદયાત્રામાં ઘણા ભાવિકો દ્વારા વાહનોમાં ફરીને કેળા કે અન્ય ફળનું વિતરણ કરવામાં આવી રહ્યું છે. જ્યારે જિલ્લા આરોગ્ય કેન્દ્રના સેવા કેન્દ્રો દ્વારા તાત્કાલિક સારવાર સાથે દવા પણ આપવામાં આવી રહી છે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x