જિલ્લામાં દેશી દારૃના ૩૭૪ અને વિદેશીના ૧૧ કેસો કરાયાં
ગાંધીનગર,રવિવાર
રાજ્યના મુખ્યમંત્રી દ્વારા તાજેતરમાં જ ઉચ્ચ પોલીસ અધિકારીઓ સાથેની બેઠકમાં રાજ્યમાં પ્રોહીબીશન ડ્રાઈવ કડક બનાવવા માટે તાકીદ કરવામાં આવી હતી ત્યારે છેલ્લા એક અઠવાડીયાથી રાજ્યમાં પોલીસ દ્વારા આ ડ્રાઈવ હાથ ધરવામાં આવી હતી. જે અંતર્ગત ગાંધીનગર જિલ્લામાં દેશી દારૃના ૩૭૪ કેસ કરી ૧૧૦૦ લીટર દેશી દારૃ જપ્ત કરી ૩૩૯ આરોપીઓને પકડવામાં આવ્યા છે જ્યારે વિદેશી દારૃના ૧૧ કેસમાં ૧૮ આરોપીઓને ૩૮૩ લીટર સાથે ઝડપી લેવામાં આવ્યા હતા. દેશી દારૃના હજુ ૩૫ આરોપીઓે પકડવાના બાકી છે.
રાજ્યમાં દારૃબંધી હોવા છતાં જોઈએ તેટલો દારૃ મળી રહે છે. બોર્ડરો ઉપરથી પુષ્કળ પ્રમાણમાં દારૃ ઘુસાડવામાં આવતો રહે છે. વિદેશી દારૃ તો બહારથી આવે છે પરંતુ દેશી દારૃ તો પુષ્કળ પ્રમાણમાં રાજ્યમાં બનાવીને વેચાઈ રહયો છે. આવી સ્થિતિમાં તાજેતરમાં જ રાજ્યના મુખ્યમંત્રી વિજય રૃપાણીએ બેઠક યોજી હતી આ બેઠકમાં રાજયના ઉચ્ચ પોલીસ અધિકારીઓને રાજ્યમાં પ્રોહીબીશનની બદી દુર કરવા માટે સૂચના આપવામાં આવી હતી. રાજ્યમાં જે પ્રકારે દારૃનું ચલણ વધી રહયું છે તેને અટકાવવા માટે અધિકારીઓને ખાસ ટકોર કરવામાં આવી હતી. મુખ્યમંત્રીની આ સૂચના બાદ સમગ્ર રાજ્યમાં તા.૩થી ૧૦ સપ્ટેમ્બર દરમ્યાન પ્રોહીબીશન ડ્રાઈવ કરવાનું નક્કી કરવામાં આવ્યું હતું.
જે અંતર્ગત તમામ જિલ્લાઓમાં પોલીસ દ્વારા કામગીરી શરૃ કરાઈ હતી. ગાંધીનગર જિલ્લામાં પણ આ ડ્રાઈવ દરમ્યાન દેશી દારૃના ૩૭૪ કેસ કરી ૧૧૦૦ લીટર જેટલો દેશી દારૃ કબ્જે કરવામાં આવ્યો હતો અને ૩૩૯ આરોપીઓને ઝડપી લેવામાં આવ્યા છે જ્યારે ૩૫ આરોપીઓ પકડવાના હજુ બાકી છે. આ જ પ્રકારે વિદેશી દારૃના ૧૧ જેટલા કેસો કરવામાં આવ્યા હતા જેમાં ૧૮ આરોપીઓને ઝડપી લેવામાં આવ્યા છે. રાજ્યમાં દારૃબંધી હોવા છતાં રાજ્યના મુખ્યમંત્રીએ સૂચના આપવી પડે અને પોલીસ દ્વારા કામગીરી થાય તે ઘણી અયોગ્ય બાબત છે. ગાંધીનગર જિલ્લામાં દેશી દારૃના ૩૭૪ જેટલા કેસ કરવામાં આવ્યા તો આ દેશી દારૃના ઠેકાણાઓથી પોલીસ આમ પણ વાકેફ જ છે. પોલીસ ખરા અર્થમાં કામગીરી કરે તો ક્યાંય પણ દારૃનું ટીંપુ પણ જોવા મળે નહીં.