ગાંધીનગરગુજરાતરાષ્ટ્રીય

આવતી કાલથી ખેડૂતોને સરકારી સહાય ચૂકવવામાં આવશે: ફળદુ

ગાંધીનગર
કૃષિ મંત્રી આર સી ફળદુએ પત્રકાર પરિષદ સંબોધીને મોટી જાહેરાત કરતા જણાવ્યું કે, આવતી કાલથી ખેડૂતોને સરકારી સહાય ચૂકવવામાં આવશે. જેમાં તેઓએ જણાવ્યું હતું કે, કમોસમી વરસાદથી જે ખેડૂતોને નુકસાન પહોંચ્યું છે તેવા ખેડૂતોને આવતીકાલથી સહાય ચૂકવવાનું શરૂ કરવામાં આવશે. રાજ્યના નાગરિકોએ હેલ્મેટ પહેરવાની માનસિકતા કેળવવી પડશે, સુપ્રિમ કોર્ટ દ્વારા નિમાયેલી રોડ સેફ્ટી કાઉન્સિલ દ્વારા રાજ્યને એક પત્ર મળ્યો છે. આ પત્ર અંગે મુખ્યમંત્રી સાથે વાતચીત થઈ છે. આગામી કેબિનેટની બેઠકમાં નિર્ણય લેવાશે.
રાજ્યના કૃષિમંત્રી ફળદુએ જણાવ્યું કે, રાજ્યના ખેડૂતોને આર્થિક રીતે સદ્ધર કરવા અમારી સરકાર કામ કરી રહી છે. સરકાર જાણે છે કે, માવઠાથી રાજ્યના ખેડૂતોના ઉભા પાકને નુક્સાન થયું છે. આથી સરકાર દ્વારા આવતી કાલથી રાજ્યમાં 8 અલગ-અલગ જગ્યાઓ પર ખેડૂતોને સહાય ચૂકવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. સરકારી સહાય માટે 24 લાખ ખેડૂતોએ અરજી કરી છે. તેમને આવતી કાલથી સહાયના નાણાં ચૂકવાશે. જેમાં વડોદરા ખાતે મુખ્યમંત્રી વિજય રુપાણીના હસ્તે 7 લાખ ખેડૂતોને સહાય ચૂકવવામાં આવશે. આ ઉપરાંત રાજકોટમાં કુંવરજી બાવળિયા અને અમદાવાદમાં ભુપેન્દ્રસિંહ ચુડાસમાના હસ્તે ખેડૂતોને સહાય ચૂકવવામાં આવશે.
પાકવીમા અંગે કૃષિમંત્રીએ જણાવ્યું કે, રાજ્યના 56 લાખ ખેડૂત ખાતેદારોના હિતમાં સરકાર કામ કરી રહી છે. રાજ્યના કેટલાક વિસ્તારોમાં વાવણી મોડી શરૂ થઈ, તેનો પણ સરકાર દ્વારા સર્વે હાથ ધરવામાં આવ્યો છે. હાલ સરકારે સહાયતા પેકેજ હેઠળ ખેડૂતોની અરજી કરાવી દીધી છે. 24 લાખ ખેડૂત ખાતેદારોને સહાય ચૂકવવામાં આવશે. કોંગ્રેસના આક્ષેપોનો જવાબ આપતા કૃષિમંત્રીએ જણાવ્યું કે, કેટલા લોકો દેવામાફીની વાતો માત્ર રાજકારણ માટે કરે છે. દેવામાફી ખેડતોની સમસ્યાનો કોઈ ઉકેલ નથી. સરકારી ગાઈડલાઈન પ્રમાણે જ પાકવીમાની ચૂકવણી કરવામાં આવી છે. પાકવીમાની વિગતો જાહેર કરવા સંદર્ભે કૃષિ મંત્રીએ જણાવ્યું કે, તમામ ખેડૂતોને ચૂકવણી ના થાય, ત્યાં સુધી માહિતી જાહેર ના કરી શકાય. 3 વર્ષ સુધી આંકડાકિય ગુપ્તતા જાળવવી પડે છે. સરકાર વીમા કંપનીઓને છાવરી નથી રહી. 31 ડિસેમ્બર સુધી સરકાર વીમા કંપનીને સહાય ચૂકવવા માટે દબાણ ના કરી શકે. અંતિમ ખેડૂત બાકી હશે, ત્યાં સુધી સહાય ચૂકવવામાં આવશે.
અત્યાર સુધીમાં કેટલા ચૂકવાયા
કૃષિમંત્રીએ જણાવ્યું કે, ખેડૂતોને સહાય માટે અત્યાર સુધીમાં 1631.40 કરોડ રૂપિયા ચૂકવાયા છે. આ ઉપરાંત ગત વર્ષે ખેડૂતોને 5 હજાર કરોડની સબસીડી આપવામાં આવી હતી. જ્યારે સરકારે ભાવફેરમાં 2900 કરોડ રૂપિયા આપ્યા છે. આ વર્ષે પણ 3.75 હજાર કરોડ રૂપિયાની સહાય ખેડૂતોને ચૂકવવામાં આવશે.
કૃષિમંત્રીએ વધુમાં જણાવ્યું કે, કેટલાક ખેડૂત મિત્રો અન્ય કામોમાં વ્યસ્ત હોવાથી તેમણે રજિસ્ટ્રેશન કરાવ્યું નથી. આથી ઓનલાઈન રજિસ્ટ્રેશનની સમય મર્યાદા વધારવા માટે કેબિનેટમાં ચર્ચા કરવામાં આવશે. આ ઉપરાંત કૃષિ લોન લેવા સમયે વીમો ફરજીયાતમાંથી મરજીયા કરવા માટે રાજ્ય સરકારે કેન્દ્ર સરકારને ભલામણ કરી છે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x