Uncategorized

સાબરમતીમાં તણાઈ આવેલી રેતી ચોરવા તીડની જેમ ટ્રેકટરો ઉમટયાં!

1473690608_g-4a
ગાંધીનગર,સોમવાર
ગાંધીનગર જિલ્લામાંથી પસાર થતી સાબરમતી નદીને આમ તો ખનન ચોરોએ ખુંદી નાંખી છે. પરંતુ તાજેતરમાં જ ઉપરવાસમાં થયેલા સારા વરસાદ બાદ સાબરમતી નદીમાં પુર આવ્યું હતું અને તેમાં પુષ્કળ પ્રમાણમાં રેતી પણ તણાઈ આવી હતી. હવે પાણી ઓસર્યા છે ત્યારે આ નદીના પટમાં રેતીની રીતસર લૂંટ કરવા માટે ખનન ચોરો સક્રિય થયા છે. સંત સરોવર આગળ ઈન્દ્રોડા પાસે તીડની જેમ રેતી માફીયાઓ ઉમટી પડયા છે અને ભરાય એટલી રેતી ટ્રેકટરોમાં ભરી રહયા છે. ભુસ્તર તંત્ર અને પોલીસ મુક પ્રેક્ષક બની આ તમાશો જોઈ રહી છે. સરકારની સંપતિ લૂંટાઈ રહી છે અને પાટનગરમાં અધિકારીઓ કયા કારણોસર આંખ આડા કાન કરીને બેઠા છે તે સૌ કોઈ જાણે છે.

ગાંધીનગર જિલ્લામાંથી પસાર વિવિધ નદીઓમાં રેતી કાઢવા માટે વહીવટી તંત્ર દ્વારા લીઝ આપવામાં આવતી હોય છે. પરંતુ રેતી માફીયાઓ આ લીઝમાં કરોડો રૃપિયા ભરવાને બદલે મફતમાં નદીમાંથી રેતી ચોરવામાં જ રસ દાખવતાં હોય છે. જેના કારણે આ રેતી માફીયાઓએ સાબરમતી નદીને રીતસર લૂંટી લીધી છે. નદીમાં ૨૦-૨૦ ફુટ ઉંડા ખાડા ખોદી રેતી ઉલેચી લેવામાં આવી છે જો કે તાજેતરમાં જ ઉપરવાસમાં થયેલા સારા વરસાદ બાદ પાણીની સાથે રેતી પણ તણાઈને આવી હતી જેથી સાબરમતી નદીની સપાટી માંડ સમથળ બની હતી. આવી સ્થિતિમાં હાલ રેતી માફીયાઓનો ડોળો સાબરમતી નદીમાં તણાઈ આવેલી રેતી ઉપર છે. સંત સરોવર પાસે છેલ્લા અઠવાડીયાથી રેતી માફીયાઓ સાબરમતી નદીમાં તીડની જેમ ત્રાટકયા છે અને ટ્રેકટરો ભરી ભરી રેતી લૂંટી રહયા છે.

આ તમાશો ભુસ્તર તંત્ર અને પોલીસ જોઈ રહી છે. રાજયના પાટનગરમાંથી સમગ્ર રાજ્યનો વહીવટ ચાલે છે પરંતુ પાટનગરના પાદરેથી જ બેફામપણે ખનીજચોરી થઈ રહી છે છતાં સરકાર જાણે ઉંઘી રહી હોય તેવું લાગી રહયું છે. આ રેતી માફીયાઓને અટકાવવામાં નહીં આવે તો ગાંધીનગરની આવનારી પેઢી સાબરમતી નદી નહીં જોઈ શકે તે નક્કી છે. ખીણ જેવો માહોલ તેને નદીના પટમાં દેખાશે. સુત્રોનું માનીએ તો ચાર દિવસ અગાઉ ભુસ્તર તંત્ર અને પોલીસે આ વિસ્તારમાં રેડ કરી હતી પરંતુ કોઈ કારણોસર પગલાં ભર્યા નહોતા હવે કેમ પગલાં નહોતા ભર્યા તે પણ તપાસનો વિષય છે. ત્યારે બેફામપણે ઉલેચાતી આ રેતીના કારણે સંત સરોવરને પણ નુકશાન થાય તો નવાઈ નહી.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x