કાશ્મીરમાં મહાભયાનક આતંકી હુમલો :૧૭ જવાન શહીદ
– સરકારની સુરક્ષા મુદ્દે નિષ્ક્રિયતા : આતંકીઓને છૂટો દોર
– ગુપ્તચર તંત્રે લશ્કરી છાવણી પર હુમલો થવાની ચેતવણી આપી હતી
‘સમસ્યા સરહદે નથી દિલ્હીમાં છે’ એવા મોદીના ૨૦૧૪ના ઉદ્ગારોને સાચા ઠેરવતું જૈશ-એ-મોહમ્મદ : દેશભરમાં પ્રજાને આંચકો
હું ખાતરી આપું છું કે આવા હીન અને કાયરતાભર્યા હુમલાના તમામ જવાબદારોને છોડવામાં નહીં આવે : મોદી
ઉરીમાં વહેલી પરોઢે સૂતેલા જવાનો પર બોમ્બ ઝીંકાતા ૧૪ જવાનો જીવતા ભૂંજાયા
ઠાર કરાયેલા ચારેય આતંકી પાસેથી પાક. બનાવટની ચીજો, ચાર એકે ૪૭ અને ચાર લોન્ચર મળ્યાં
કાશ્મીરમાં બે દાયકામાં થયેલો સૌથી મોટો હુમલો
(પીટીઆઈ) શ્રીનગર, તા.૧૮
જમ્મુ કાશ્મીરના ઉરીમાં ભારતીય સેના પર આજે ઈતિહાસનો સૌથી જઘન્ય આતંકવાદી હુમલો થયો હતો, જેમાં ૧૭ જવાન શહીદ થયા છે અને વીસથી પણ વધુ જવાન ઘાયલ થયા છે. ઉરીમાં આર્મી બ્રિગેડ હેડક્વાર્ટરથી માંડ થોડા મીટરના અંતરે જ વહેલી સવારે પાંચેક વાગ્યે ચાર સશસ્ત્ર આતંકવાદીઓ ત્રાટક્યા હતા. આતંકવાદીઓએ હોશિયારીપૂર્વક આરામ ફરમાવી રહેલા ડોગરા રેજિમેન્ટના જવાનો પર હુમલો કર્યો હતો. જોકે, બાદમાં અન્ય જવાનોએ ચારેય આતંકીને એન્કાઉન્ટરમાં ઠાર માર્યા હતા.
એવું કહેવાય છે કે, આ હુમલામાં સલામાબાદ નાલા નજીકથી તાજા જ ઘૂસેલા આતંકવાદીઓનો હાથ હોઈ શકે છે. આતંકવાદીઓએ આગ લાગે એવા દારૃગોળાનો ઉપયોગ કરીને છાવણીમાં આગ લગાડી હતી અને પછી ઓટોમેટિક રાયફલોથી ધુંઆધાર ગોળીબાર કર્યા હતા. ફક્ત આ કારણસર ૧૩થી ૧૪ જવાન શહીદ થઈ ગયા હતા.
લેફ્ટનન્ટ જનરલ રણબીર સિંઘે કહ્યું છે કે, ભારતીય સેનાએ આતંકવાદીઓ પાસેથી પાકિસ્તાનના શસ્ત્રો અને બીજો સામાન પણ કબજે કર્યો છે. પ્રાથમિક તપાસ પ્રમાણે આ આતંકવાદીઓ જૈશ એ મોહમ્મદ સાથે સંબંધ ધરાવતા હોવાની અમને શંકા છે. આ ઘટના પછી અમે તુરંત જ પાકિસ્તાની લશ્કરના ઉચ્ચ અધિકારીઓ સાથે વાતચીત કરી છે. સેનાએ ચાર એકે ૪૭, ચાર અન્ડર બેરલ ગ્રેનેડ લોન્ચર અને મોટા પાયે દારૃગોળો કબજે કર્યો છે. આ ઘટના પછી ભારતીય સેનાએ સરહદે સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે.
આ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે, હું રાષ્ટ્રને ખાતરી આપું છું કે આવા હીન અને કાયરતાભર્યા હુમલાના તમામ જવાબદારોને છોડવામાં નહીં આવે. અમે ઉરીના શહીદોને સલામ આપીએ છીએ. તેઓ દેશ માટે વ્હોરેલી શહીદીને યાદ રખાશે. સૂત્રોના જણાવ્યાનુસાર, ગુપ્તચર તંત્રે ઉરીમાં હુમલો થઈ શકે છે એવી ચેતવણી પણ આપી હતી. લેફ્ટનન્ટ સિંઘે કહ્યું હતું કે, ભારતીય સેના અને ગુપ્તચર તંત્ર ખૂબ તાલમેલ સાથે કામ કરી રહ્યા છે. તેઓ નિયમિત રીતે અમને ગુપ્ત માહિતી આપે છે અને સેના પણ ચેતવણી આપ્યા પછી જરૃરી પગલાં લે છે. આ દરમિયાન ભારતીય સેનાના વડા દલબીર સિંઘ સુહાગે ઉરીની મુલાકાત લઈને સુરક્ષાની સમીક્ષા કરી હતી. આ ઉપરાંત સંરક્ષણ મંત્રી મનોહર પારિકર પણ ઉરી પહોંચીને શહીદોને શ્રદ્ધાંજલિ આપીને ઉચ્ચ સ્તરીય બેઠકોમાં ભાગ લીધો હતો.