પાક.ને યુએનમાં આતંકી દેશ જાહેર કરાવીશું : મોદી
આતંકવાદીઓ હુમલા કરતા રહેશે અને સરકાર હુમલાની ચર્ચા કરતી રહેશે
જોકે, સરકાર પાકિસ્તાન વિરુદ્ધ પુરાવા ભેગા કર્યા પછી જ લશ્કરી કાર્યવાહીનો નિર્ણય લેશે : વધુ એક ઘાયલ જવાન શહીદ
મ્યાંમારમાં ઘૂસીને કરેલા ઓપરેશનની જેમ પીઓકેમાં પણ આયોજનપૂર્વકનો હુમલો કરાશે
ભારતીય સૈન્ય પણ પીઓકેમાં ધમધમતા આતંકી કેમ્પો પર હુમલા માટે આતુર પણ હાલ આદેશ નહીં
નવી દિલ્હી, તા. ૧૯
પાકિસ્તાનમાંથી ઘુસેલા આતંકીઓએ કાશ્મીરના ઉરીમાં સૈન્ય પર કરેલા હુમલામાં વધુ એક જવાન શહીદ થયો હતો. જેને પગલે આ હુમલામાં શહીદોની સંખ્યા વધીને ૧૮ સુધી પહોંચી છે. સીપોય કે. વિકાસ જનાર્દન પણ હુમલામાં ગંભીર રીતે ઘાયલ થયા હતા. તેઓને સારવાર માટે સૈન્યની હોસ્પિટલમાં લઇ જવાયા હતા, જ્યાં તેઓએ સોમવારે દમ તોડી દીધો હતો. અન્ય બે ઘાયલ જવાનોની સ્થિતિ હજુ પણ ગંભીર છે. જૈશ-એ-મોહમ્મદ નામના આતંકી સંગઠન દ્વારા થયેલા આ હુમલામાં સૈન્ય દ્વારા સઘન તપાસ ચાલી રહી છે.
કેટલાક વર્ષોમાં સૈન્ય પર થયેલા આ સૌથી મોટા આતંકી હુમલાને પગલે મોદી સરકાર પર પાકિસ્તાન વિરૃદ્ધ પગલા લેવા દબાણ વધી રહ્યું છે. જેને પગલે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગૃહ પ્રધાન રાજનાથસિંહ, સંરક્ષણ પ્રધાન મનોહર પારિકર, નેશનલ સિક્યોરિટી એડવાઇઝર અજીત દોવલ, સૈન્યના વડા વગેરે સાથે એક સર્વોચ્ચ સ્તરની બેઠક યોજી હતી. પાકિસ્તાનને આતંકી દેશ જાહેર કરવા માટે વિશ્વના દેશો પર કેવી રીતે દબાણ કરવું તેની રણનીતિ તૈયાર કરવામાં આવી છે.
જોકે કેટલાક અહેવાલોમાં એમ પણ સ્પષ્ટ જણાવવામાં આવ્યું છે કે હાલ મોદી સરકાર કોઇ જ મોટા પગલા લેવાના મૂડમાં નથી. કેમ કે સરકાર પાકિસ્તાન વિરૃદ્ધ વધુ મજબુત પુરાવા એકઠા કરવા માગે છે. જે બાદ કોઇ મોટી રણનીતી તૈયાર કરવામાં આવશે. જે રીતે મ્યાંમારમાં ભારતીય સૈન્ય દ્વારા સરહદમાં ઘુસીને ઉગ્રવાદીઓની વિરૃદ્ધ ઓપરેશન ચલાવવામાં આવ્યું હતું એવું કોઇ ઓપરેશન ભારત પાકિસ્તાન હસ્તકના કાશ્મીરમાં પણ છેડી શકે છે. પણ આ માટે મોટા પાયે પ્લાનિંગની જરૃર હોવાથી હાલ કોઇ મોટા પગલા લેવામાં આવશે નહીં.
શહીદોના પરિવારને પાંચથી વીસ લાખની સહાય
જે રાજ્યોના જવાનો આતંકી હુમલામાં શહીદ થયા હતા તેઓના પરિવારને રાજ્ય સરકારોએ સહાયની જાહેરાત કરી હતી. જેમ કે બિહારના મુખ્ય પ્રધાન નીતીશ કુમારે ત્રણ શહીદોના પરિવારને પાંચ-પાંચ લાખની સહાય, જ્યારે ઉત્તર પ્રદેશની સરકારે ચાર જવાનોના પરિવારને ૨૦-૨૦ લાખ રૃપિયાની સહાયની જાહેરાત કરી હતી. ઝારખંડના પણ બે જવાન આ હુમલામાં શહીદ થયા હતા, જેના પરિવારને ઝારખંડ સરકારે ૧૦-૧૦ લાખની નાણાકીય સહાયની જાહેરાત કરી હતી.
પાકિસ્તાન કુત્તા હૈ, હમલા કરો :શહીદોના પરિવારોની માગ
બીજી તરફ જે જવાનો શહીદ થયા હતા તેના પરિવારમાં આક્રાંદની સાથે ગુસ્સો પણ જોવા મળી રહ્યો છે. શહીદોના પરિવારોએ માગણી કરી હતી કે મોદી સરકાર પાકિસ્તાનને જવાબ આપવા માટે તેના પર હુમલો કરે. હુમલામાં શહીદ નાયક એસકે વિદ્યાર્થીની પુત્રીએ આંખોમાં આંસુ સાથે કહ્યું કે જે લોકોએ સૈન્ય પર હુમલો કર્યો તેના પર આપણે હુમલો કરવો જોઇએ. શહીદ અશોકના પત્નીએ કહ્યું કે પાકિસ્તાન તો કુત્તા હૈ, હમલા કરો.
બીજી તરફ ૨૨ વર્ષીય યુવા સૈનિક જી. દલાઇના પિતાએ સરકારને સવાલ કર્યો હતો કે મારો પુત્ર માત્ર ૨૨ વર્ષનો હતો, છતા તેને સૈન્યના સીનિયરો માટેના આ કેમ્પમાં કેમ મોકલવામાં આવ્યો હતો ?