વડાપ્રધાન પર છલાકાયો સંજય રાઉતનો પ્રેમ, મહારાષ્ટ્ર સરકારને લઇ આપ્યું મોટું નિવેદન
મુંબઈ
મહારાષ્ટ્રમાં નવી સરકારની રચના બાદ જ ભાજપ અને શિવસેના સામ-સામે આવી ગયા છે. બન્ને પાર્ટીના નેતાઓ એકબીજા વિરૂદ્ધ આરોપ-પ્રત્યારોપ મૂકતા આવ્યા છે. જેના પરિણામ સ્વરૂપ કેન્દ્ર અને રાજ્યમાં બન્ને પાર્ટીઓ વચ્ચે વર્ષો જૂનુ ગઠબંધન તૂટી ગયું હતું. જો કે હવે અચાનક શિવસેના નેતા સંજય રાઉતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રસંશા કરતા મોટું નિવેદન આપ્યું છે. શિવસેના નેતા સંજય રાઉતે જણાવ્યું કે, વડાપ્રધાન દેશના બેસ્ટ લીડર છે. રાઉતના આ નિવેદન બાદ મહારાષ્ટ્રથી લઈને દિલ્હી સુધી રાજકારણ ગરમાયું છે.
પૂણેમાં આયોજિત એક કાર્યક્રમ દરમિયાન શિવસેના નેતા સંજય રાઉતે જણાવ્યું કે, વડાપ્રધાન મોદી ભારતના અત્યાર સુધીના સૌથી લોકપ્રિય નેતા છે. PM મોદીને હું ઘણો આદર કરુ છું. જો ભાજપ મહારાષ્ટ્રમાં વિધાનસભા ચૂંટણી બાદ પોતાનો વાયદો નિભાવતી, તો મહારાષ્ટ્રની તસ્વીર કંઈક અલગ જ હોત. આ સિવાય મહારાષ્ટ્રના “મહા વિકાસ અઘાડી”ને લઈને પણ સંજય રાઉતે મોટું નિવેદન આપ્યું છે. તેમણે જણાવ્યું કે, ઉદ્ધવ ઠાકરે સરકારનું રિમોટ કંન્ટ્રોલ શરદ પવાર પાસે નથી. હું શરદ પવારના અતૂટ શ્રદ્ધા ધરાવું છું. ઉદ્ધવ ઠાકરે અને શરદ પવાર જ એવા નેતા છે, જે મહારાષ્ટ્રને વિકાસના પથ પર લઈ જઈ શકે છે.
રાઉતે જણાવ્યું કે, સમયની માંગ હતી કે, ત્રણેય પાર્ટીઓ એક સાથે આવે આથી અમે ગઠબંધનમાં સરકાર બનાવી. વર્તમાન ઉદ્ધવ સરકાર ટેસ્ટ ટ્યૂબ બેબી નથી. અમે 2019ની લોકસભા ચૂંટણીના પરિણામો બાદ ભાજપના જિદ્દી વલણનો અંદાજો લગાવી લીધો હતો. તે સમયે જ અમે નિર્ણય કર્યો હતો કે, 2019ની વિધાનસભા ચૂંટણી બાદ અમે સાથે મળીને સરકાર બનાવીશું. રાઉતે વધુમાં જણાવ્યું કે, ભાજપે મહાવિકાસ અઘાડી સરકારને તોડવાનો ભરપુર પ્રયત્ન કર્યો, પરંતુ અમે તેમને ફાવવા નથી દીધા.