જમ્મુ-કાશ્મીર: સેના સાથે અથડામણમાં 3 આતંકવાદીઓ ઠાર
શ્રીનગર
પુલવામાના શોપિયાંમાં સુરક્ષા જવાનો અને આતંકવાદીઓ વચ્ચે થયેલી અથડામણમાં ભારતીય સેનાને મોટી સફળતા મળી છે. જેમાં 3 આતંકવાદીઓને ઠાર મારવામાં આવ્યા છે. જમ્મુ-કાશ્મીર પોલીસ અને સુરક્ષા જવાનો સમગ્ર વિસ્તાર સર્ચ ઓપરેશન કરી રહ્યાં છે.
પોલીસને શોપિયાના એક ઘરમાં ત્રણ આતંકવાદીઓ છુપાયા હોવાની બાતમી મળી હતી. જે બાદ પોલીસ અને સેનાના જવાનોએ સમગ્ર એરિયાને કોર્ડન કર્યો હતો. અંદાજે 2 કલાક ચાલેલ અથડામણને અંતે સુરક્ષા જવાનોએ 3 આતંકવાદીઓને ઠાર માર્યા છે. અગાઉ 12 જાન્યુઆરીએ સુરક્ષા જવાનોએ પુલવામા જિલ્લાના ત્રાલમાં ત્રણ આતંકવાદીઓને ઠાર માર્યા હતા. આ આતંકવાદીઓમાં ફૈયાજ લોન (હિજબુલ મુજાહિદ્દીન), આદિલ બશીર મીર (હિજબુલ મુજાહિદ્દીન) અને ફૈઝાન હિજેદ ભટ (જૈશ એ મોહમ્મદ) સામેલ હતા.
અગાઉ એક દિવસ પહેલા જ જમ્મુ-કાશ્મીરમાં એક DSPની કારથી બે ખુંખાર આતંકવાદીઓને ઝડપી પાડવામાં આવ્યા હતા. પોલીસે શનિવારે દક્ષિણ કાશ્મીરથી બે આતંકવાદીઓની ધરપકડ કરી હતી. જેમાં એક આતંકવાદી હિઝબુલનો ટોપ કમાન્ડર નાવેદ બાબૂ છે. જે શોપિયામાં ટ્રક ચાલકની હત્યામાં સામેલ હતો. નાવેદ સેનાના જવાનો પર હુમલામાં પણ સામેલ છે.