માહિતી ખાતાના સામાયિક ને લઈને પરેશ ધાનાણીએ મુખ્યમંત્રીને લખ્યો પત્ર
ગુજરાત સામયિકની પ્રસિધ્ધી કરની અને કથનીનો પર્દાફાશ
ગાંધીનગર
૧૪મી ગુજરાત વિધાનસભાના પાંચમા સત્રમાં ગૃહના નેતા તરીકે આપે (૧) “સંવિધાન દિવસ”ની ઉજવણી અને (૨) પૂજ્ય મહાત્મા ગાંધીજીની ૧૫૦મી જન્મજયંતિ ઉજવણી પ્રસંગ”નો પ્રસ્તાવ રજૂ કર્યો હતો. આ બંને પ્રસ્તાવને મારા સહિત કોંગ્રેસ પક્ષના જે માન. સભ્યોએ ચર્ચામાં ભાગ લીધો હતો તે તમામ માન. સભ્યોએ હકારાત્મક વલણ સાથે ટેકો આપ્યો હતો. ૨૬મી જાન્યુઆરી ૧૯૫૦થી અમલમાં આવેલાદેશના સંવિધાનના ઘડવૈયા ડો. બાબા સાહેબ ભીમરાવ આંબેડકર દ્વારા તૈયાર થયેલ બંધારણ દેશના તમામ જાતિ, ધર્મ, સમાજને સમાન તક, સમાન હક્કો પુરા પાડતા મજબૂત પાયા નાંખ્યા છે તેના કારણે તો આ દેશ આજે પણ અડીખમ ઉભો છે. જયારે પૂજ્ય મહાત્મા ગાંધીજીના સત્ય, સત્યાગ્રહ અને અહિંસાના સંદેશાઓસાથે દેશને આઝાદી અપાવવા સુધીનું મહામુલુ કામ કર્યું છે. આવા પ્રસ્તાવો વિધાનસભા ગૃહમાં હોઈ કે ગૃહની બહાર કોંગ્રેસ પક્ષે હંમેંશા હકારાત્મક અને સકારાત્મક રહી ટેકાઓ આપ્યા છે.
પરંતુ આપની સરકાર અને આપ જે વિભાગનો હવાલો સંભાળો છો તે માહિતી ખાતા દ્વારા તાજેતરમાં ગુજરાત સામયિકનો અંકઃ૨૪ તા૧૬-૧૨-૨૦૧૯ પ્રકાશિત થયો છે તેમાં લોકશાહીના ધબકારાના નામે પાના નં.૧૮ થી ૨૨ (પાંચ પાના)માં સંવિધાન દિવસ અને પાના નં.૨૩ અને ૨૪ (બે પાના) પૂજય ગાંધીજીના પ્રસ્તાવ અંગે વિધાનસભાની કાર્યવાહીના અંશો પ્રકાશિત કરવામાં આવ્યા છે. દુઃખની વાત તો એ છે કે આ પ્રસ્તાવોમાં આપ સહિત મંત્રીશ્રીઓના ફોટાઓ સાથે પ્રસ્તાવ અંગે અનુમોદન આપતા લેખો પ્રકાશિત કર્યા છે. “સંવિધાન દિવસ”ની ઉજવણીના પાંચ પાનાના લેખમાં કોંગ્રેસ પક્ષના એક પણ સભ્યનો ફોટા તો દૂરની વાત છે નામનો પણ ઉલ્લેખ પણ કરવામાં આવેલ નથી. ત્યારે સંવિધાને આપેલા સર્વને સમાન ન્યાયનો કેવો અન્યાય ! લોકશાહી બચાવવા લોકશાહીના ધબકારામાં આપ કે આપની સરકારના મંત્રીશ્રીના વિચારોના લેખ ટુંકાવ્યા વગર પ્રસિધ્ધી મેળવવા છપાતાં ૧-૨ ફોટાઓ ઓછા કરીને પણ કોંગ્રેસ પક્ષના સભ્યશ્રીઓએ બંને પ્રસ્તાવો પર ગૃહમાં લીધેલ ભાગ છાપી શકાયો હોત.
ડો. બાબા સાહેબ આંબેડર દ્વારા ઘડવામાં આવેલ બંધારણ કે પૂજ્ય મહાત્મા ગાંધીજીના જીવન અને મૂલ્યોની વાત હોઈ ત્યારે અમારાં પક્ષે ટીકાઓ કરવામાંથી દૂર રહી શકીએ પરંતુ તે અંગે થયેલ ચર્ચાઓ અંગે આપના હસ્તકના વિભાગ દ્વારા પ્રસારીત અને પ્રસિધ્ધી માટે પ્રસિધ્ધ થતાં લોકશાહીના ધબકારા કે ગુજરાત સામયિક એક પક્ષીય કેમ બની જાય છે ?
આ મેગેઝીન ગુજરાતના નાગરીકોના કરમાંથી એકઠા થતાં નાણામાંથી આપના પક્ષના એક-બે વ્યકિતઓને અભિનંદન આપે તે લેખો પ્રસિધ્ધ કરે, મહંમદ અલી ઝીણાના વખાણ કરતા લેખો પ્રસિધ્ધ કરે, નાની માહિતીને મોટા સ્વ રૂપ આપી તેના ફોટા પ્રસિધ્ધ કરે પરંતુ વિપક્ષે હકારાત્મક રીતે બંધારણના ઘડવૈયા ડો. બાબા સાહેબ આંબેડકર અને પૂજય મહાત્મા ગાંધીજી વિશે રજૂ કરેલ વિચારો પ્રસિધ્ધ કરવામાં કેમ પાછીપાની કરે છે ?
કોંગ્રેસ પક્ષે પૂજય મહાત્મા ગાંધીજી સાથે આઝાદીના સંગ્રામમાં સાથે રહીને દેશની ગુલામીની જંજીરોમાંથી મુકિત અપાવી છે, કોંગ્રેસ પક્ષની સ્થાપના આવી પ્રસિધ્ધી કે કામ ઓછુંને મોટા ફોટાઓ છપાવવામાં માટે નહીં પરંતુ દેશના નાગરીકોની સેવા કરવા માટે થઈ છે અને તે માટે આઝાદીમાં પૂજય મહાત્મા ગાંધી સાથે અને ત્યારબાદ પણ કોંગ્રેસ પક્ષના ટોચના નેતાઓએ બલિદાનો આપ્યા છે. ત્યારે આપના પક્ષની સરકાર દ્વારા આવા પ્રસ્તાવો લાવવામાં આવે અને તેની પ્રસિધ્ધી આપના વિભાગ હસ્તક જે રીતે થઈ રહી છે તે જોતા આપનો અને સરકારનો આવા પ્રસ્તાવો લાવવા પાછળનો હેતુનો પર્દાફાશ થયો હોઈ તેમ લાગે છે. આ પત્ર આપને કોઈ રાજકીય આશયથી નથી લખી રહ્યો પરંતુ ગુજરાત સામયિકની પ્રસિધ્ધી કરની અને કથનીનો પર્દાફાશ કરે છે તે તરફ આપનું ધ્યાન દોરવાના આશયથી લખી રહ્યો છું.