ગાંધીનગર: સ્વામીનારાયણ ગુરૂકુલના રામ સ્વામીએ બનાવી બોલતી શિક્ષાપત્રી
ગાંધીનગર
આર્ટીફિશ્યલ ઇન્ટેલિજન્સ ટેકનોલોજીની મદદથી સ્વામિનારાયણ ઇન્સ્ટિટ્યુટ, ભાટના રિસર્ચ સેન્ટર દ્વારા બોલતી શિક્ષાપત્રી બનાવાઇ છે. સતત આઠ મહિના સંશોધન કર્યા બાદ રૂપિયા 3500ના ખર્ચે એક આવૃત્તિ બનાવી છે. બોલતી શિક્ષાપત્રીનું વિમોચન શાસ્રી હરીપ્રકાશ સ્વામીના હસ્તે કરાયું હતું.
આધુનિક ટેકનોલોજીના યુગમાં લોકોમાં વાંચન શોખ ઘટી રહ્યો છે. ત્યારે ટેકનોલોજીના માધ્યમથી બોલતી ગીતા બની છે. બોલતી ગીતાથી પ્રેરણા લઇને સ્વામીનારાયણ ગુરૂકુલના રામ સ્વામીએ બોલતી શિક્ષાપત્રી બનાવવા શ્રીસ્વામીનારાયણ ઇન્સ્ટિટ્યુટ ઓફ ટેકનોલોજી, ભાટના ઇલેક્ટ્રોનિક્સ એન્ડ કમ્યુનિકેશન વિભાગના રિસર્ચ સેન્ટરને સુચના આપી હતી. આથી કોલેજના ડિરેક્ટર ધર્મેશ વંડરાની રિસર્ચ ટીમ દ્વારા બોલતી શિક્ષાપત્રી બનાવવા માટે ગુગલની મદદથી ટેકનોલોજીનો અભ્યાસ કર્યો હતો. ત્યારબાદ નિષ્ણાંતોની મદદથી રિસર્ચ સેન્ટરની ટીમે આર્ટીફિશ્યલ ઇન્ટેલિજન્સ ટેકનોલોજીની મદદથી પ્રોગ્રામીંગ બનાવ્યું હતું. પ્રોગ્રામીંગના આધારે પ્રોફેશનલ વ્યક્તિઓના અવાજનું રેકોર્ડિંગ કરીને શિક્ષાપત્રીના શ્લોકનું અંગ્રેજી, સંસ્કૃત અને ગુજરાતી ભાષામાં પ્રોગ્રામીંગ તૈયાર કરીને બોલતી શિક્ષાપત્રીવાળી પેન બનાવવામાં સફળતા મળી હતી.
બોલતી શિક્ષાપત્રી બનાવ્યા બાદ તેની કોપીરાઇટ કરાવશો કે નહી તેમ પુછતા સ્વામિનારાયણ ગુરૂકુલના રામસ્વામીએ કહ્યું હતું કે કોપીરાઇટ મેળવવામાં આવશે. ઉપરાંત આગામી સમયમાં શિક્ષાપત્રીમાં દ્દશ્ય-શ્રાવ્યના માધ્યમથી સ્કૂલને અનુરૂપ ફોટાઓ મુકીને લોકોને માત્ર 150 રૂપિયામાં શિક્ષાપત્રી મળી શકે તેવું આયોજન કરાશે.