આહીર યુવા ફોરમ દ્વારા તેજસ્વી તારલાઓનો ૧૮મો સન્માન સમારોહ યોજાયો
ગાંધીનગર 25/09/2016
ગાંધીનગરમાં કોઈપણ હોદ્દેદારો વગરની સંસ્થા આહીર યુવા ફોરમ ગાંધીનગર દ્વારા ગાંધીનગરમાં વસતા અથવા અભ્યાસ કરતા આહીર સમાજના તેજસ્વી તારલાઓનો ૧૮મો વાર્ષિક સન્માન અને સ્નેહ મિલન સમારોહ ટાઉન હોલ ખાતે યોજાયો હતો. આ પ્રસંગે સમાજનાં ભોજનના દાતા શ્રી રામભાઈ ડોડીયા, ઇનામના દાતા શ્રી રાજેશભાઈ નંદાણીયા, ગ્રામગૃહ નિર્માણ બોર્ડનાં અધ્યક્ષ શ્રી મુળુભાઈ બેરા, રાજય પરિક્ષા બોર્ડનાં ચેરમેન શ્રી પ્રફુલભાઈ જલુ તેમજ સમાજના અન્ય અગ્રણીઓ ખાસ હાજર રહ્યા હતા અને દિપ પ્રાગટ્ય કરી કાર્યક્રમને ખુલ્લો મુકવામા આવેલ હતો. ત્યાર બાદ ગાંધીનગર ખાતેની હોસ્ટેલમાં રહી ભણતા વિધાર્થી સ્વ. શ્રી સામત આપાભાઈ ભૂવા તથા ઉરી ખાતે શહીદ થયેલ જવાનોનાં માનમાં બે મિનિટનું મૌન પાળેલ હતું. તેમજ આ મહાનુભાવોએ આ પ્રસંગે પોતાના સંસ્મરણો વાગોળ્યા હતા. તેમજ સમાજ દ્વારા ઓગષ્ટ – ૨૦૧૬ માં ગાંધીનગરમાં વસતા “આહીર” સમાજની માહિતી પુસ્તિકા તૈયાર કરવામાં આવેલ છે. તેનું વિમોચન ગ્રામ ગૃહ નિર્માણ બોર્ડનાં અધ્યક્ષ શ્રી મુળુભાઈ બેરાનાં વરદ હસ્તે કરવામાં આવેલ હતું. તેમજ સમાજની એક વેબસાઈટ www.ahiryuvaforum.in પણ લોન્ચ કરવામાં આવી હતી.
કાર્યક્રમમાં ધો.૧ થી ૧૨ તથા યુનિવર્સિટી કોલેજમાં વર્ષ ૨૦૧૫-૧૬ માં ઉતિર્ણ થયેલ તેજસ્વી તારલાઓને ધોરણ દીઠ ત્રણ વિધાર્થી ભાઈ બહેનોને શિલ્ડ પારિતોષિક આપીને સન્માનવામાં આવ્યા હતા. તેમજ ગાંધીનગરમાં વસતા આહીર સમાજના નિવૃત થયેલા, પ્રમોશન મેળવેલા તથા નવી નિમણુંક પામેલા આહીર સમાજના સભ્યોનું પણ શુભેચ્છા સન્માન કરવામાં આવ્યું હતું.
કાર્યક્રમમાં બહોળા પ્રમાણમાં સમાજનાં બાળકો દ્વારા યોજાયેલ સાંસ્કૃતિક કાર્યક્રમમાં ડાન્સ, સ્પીચ જેવી કૃતિઓ રજુ થતા સમગ્ર હોલ તાળીઓથી ગાંજી ઉઠ્યો હતો. તેમજ છેલ્લે સમાજના તમામ બાળકોને સ્ટેજ પર આવવાની તક આપીને પ્રોત્સાહનરૂપે સામુહિક ડાન્સ રજુ કરતા શ્રોતાઓ મંત્ર મુગ્ધ થઇ ગયા હતા. ત્યારબાદ તેઓને પ્રોત્સાહક ઇનામો આપી બિરદાવવામા આવેલ હતાં. તેમજ તેવું આહીર યુવા ફોરમ ગાંધીનગરની મિડિયા સમિતિની એક અખબારી યાદીમાં જણાવવામા આવ્યું હતું.