ગાંધીનગર : ૧૭ આયુર્વેદ દવાખાનામાં પુરતી દવાનો સ્ટોક જ નથી
ગાંધીનગર,રવિવાર
યોગ સહિત આયુર્વેદને પણ ભારત વિદેશ સુધી પહોંચાડી આપડી સંસ્કૃતિનો પ્રચાર પ્રસાર કરવા માંગે છે પણ આયુર્વેદ ગાંધીનગર શહેર અને જિલ્લામાં જ મરણ પથારીએ હોય તેમ લાગી રહ્યું છે. દર વર્ષે પ્રત્યેક દવાખાનાને રૃપિયા બે લાખની જ દવાઓ સરકાર તરફથી આપવામાં આવે છે. જિલ્લામાં હાલ ૧૭ આયુર્વેદિક દવાખાનાઓમાં પુરતી દવાઓનો સ્ટોક જ નથી. જેની સામે દર્દીઓ હેરાન અને તબીબો લાચાર છે.
મેડિકલ કરતા પણ વધુ શક્તિશાળી અને વિદેશીઓ પણ જેનું અનુકરણ કરે છે તે આયુર્વેદશાસ્ત્રને સરકાર એક બાજુ પ્રાધાન્ય આપી રહ્યું છે તેમ રાજ્ય સરકારના નેતાઓ પોતાના ભાષણમાં કહે છે પરંતુ હાલત તેનાથી વિપરીત અને આયુર્વેદ માટે તો દયનીય જોવા મળી રહી છે.રાજ્ય સરકારની ઉપેક્ષા વચ્ચે પણ દર્દીઓ આયુર્વેદ દવાઓ અને તેની સારવાર તરફ વળ્યા છે અને આયુર્વેદ દવાખાનાઓમાં ઓપીડીથી લઇને હોસ્પિટલમાં ઇનડોર પેસન્ટની સંખ્યા પણ એકંદરે વધી છે પરંતુ આયુર્વેદ વિભાગ તરફથી દવાખાનાઓને હજી પણ રૃપિયા બે લાખની જ દવાઓ આપવામાં આવે છે.
આ દવાઓ તો ખરીદીના કેટલાક જ મહિનામાં પુર્ણ થઇ જાય છે ત્યારે ગાંધીનગર જિલ્લાની વાત કરીએ તો જિલ્લામાં કુલ ૧૭ આયુર્વેદ દવાખાના આવેલા છે જેમાં હાલની સ્થિતિએ કોઇ પણ દવાઓમાં પુરતી દવાઓનો સ્ટોક નથી. આ અંગે જિલ્લા આયુર્વેદ અધિકારીને પુછતા તેમણે જણાવ્યું હતું કે, દવાખાનાઓની માંગણીને આધારે વિભાગમાં જાણ કરવામાં આવી છે અને સ્ટોક નજીકના ભવિષ્યમાં આવી જશે. પરંતુ વાસ્તવિકતા એ છે કે, જિલ્લાના દર્દીઓને દવા વગર હેરાન થવાનો વારો આવ્યો છે તો બીજીબાજુ આ આયુર્વેદ દવાખાનાઓમાં ફરજ બજાવતા તબીબો દવા વગર લાચાર છે.