7 દલિત પરિવાર ન્યાયની માંગ સાથે સત્યાગ્રહ છાવણી ખાતે ઉપવાસ પર
ગાંધીનગર: ઉના દલીત અત્યાચાર કાંડ બાદ રાજયભરમાં વર્ષોથી ન્યાયની માંગણી કરી રહેલા દલીત પરીવારોને ન્યાયની આશા દેખાઇ છે. ત્યારે ગાંધીનગરમાં સેકટર 6 સ્થિત સત્યાગ્રહ છાવણી ખાતે રાજયનાં જુદા જુદા વિસ્તારોનાં 7 દલીત પરીવારો ન્યાયની માંગણી સાથે રવિવારથી ઉપવાસ પર બેઠા છે. ઉપવાસ પર બેઠેલા દરેક પરીવારોની સમસ્યા તથા માંગણીઓ અલગ અલગ છે. સરકાર દ્વારા તેમને યોગ્ય ન્યાય આપવામાં નહી આવે ત્યાં સુધી આ ઉપવાસ આંદોલન ચાલુ રહેશે તેવી ચિમકી ઉચ્ચારવામાં આવી છે.
ઓળા, સાવરકુંડલા,નિંગાળા સહિતનાં દલિત પરિવારોનું ઉપવાસ આંદોલન
સત્યાગ્રહ છાવણી ખાતે ઉપવાસ પર બેઠેલા પિડીત પરીવારોમાં અમરેલી તથા ઉના વિસ્તારનાં પરીવારોની સાથે ગાંધીનગરનાં કલોલનાં ઓળા ગામનાં પરીવારનો પણ સમાવેશ થાય છે. રાજુલાનાં સામાજીક કાર્યકર્તા કિશોરભાઇ ધાખડાએ જુદા જુદા પરીવાર સાથે થયેલા અન્યાયની વાત કરતા જણાવ્યુ હતુકે રાજુલાનાં વડલી ગામનાં ધનજીભાઇ બાબરીયાનાં પરીવારની એક દિકરીનું માથાભારે તત્વો દ્વારા અપહરણ કરીને દુષ્કર્મ આચરવામાં આવ્યુ હતુ. જેનાં કારણે પરીવારે હીઝરત કરવાની ફરજ પડી હતી પરંતુ હિઝરતી તરીકેની સહાય મળી નથી. ઉનાનાં આકોલાલીનાં પિયુષભાઇનાં ભાઇને 2012માં સળગાવી દેવાયા હતા અને પરીવારે હીઝરત કરી હતી. પરંતુ હિઝરતી સહાય મળી નથી.
સામતેર ગામનાં જેઠાભાઇ ચૌહાણનાં પિતાની 4 વર્ષ પહેલા દિન દહાડે હત્યા કરવામાં આવી હતી. તેની જે રૂ. 5 લાખ રૂપીયા સહાય કરવામાં આવી તે દાદાનાં નામે કરવામાં આવી. જે સહાય મળતી નથી. ઉનાકાંડ બાદ અમરેલીમાં પોલીસ જવાને અમરેલીયાનું મોત થયુ હતુ તેમાં ઘણા દલીત યુવાનો પર હત્યાની કલમ લગાવવામાં આવી છે. પરંતુ આ મોત અકસ્માતે થયુ હોવાનો દાવો કરીને આ ગંભીર ગુનામાંથી દલીત સમાજનાં યુવાનોને મુક્તી આપવાની માંગ છે. નિંબાડા ગામનાં રમેશભાઇ વણઝારાની 4 માસ પહેલા હત્યા થઇ હતી. જેમાં 4 આરોપી પકડાયા નથી.
આ બાબતને લઇને રમેશભાઇનાં પિતા ગોવિંદભાઇ પત્નિ સાથે ઉપવાસ પર બેઠા છે. તેમની ઉપવાસ દરમિયાન તબીયત લથડતા ગાંધીનગર સિવિલમાં ખસેડાયા હતા. જયારે બોટાદનાં બાબુભાઇનાં ભાઇનું અપહરણ કરીને હત્યા કરી નાંખવામાં આવી હોવાનું બાબુભાઇ જણાવી રહ્યા છે. જયારે પોલીસે એકસીડન્ટમાં મોત નોધ્યુ છે. જેમાં સીઆઇડીની તપાસની માંગ છે. જયારે ઉપવાસ પર બેઠેલા કલોલનાં ઓળા ગામનાં રાજવીભાઇએ સ્થાનિક બુટલેગરોનો વિરોધ કરતા હુમલો કર્યો હતો અને હજુ પણ હુમલાનો ભય છે. પરંતુ પ્રોટેકશન આપવામાં આવતુ નથી. આ તમામ પરીવારો પોતાની સાથે બનેલી ઘટનાઓને લઇને ન્યાયની માંગણી કરી રહ્યા છે.