ગિફ્ટ સિટી સાથે ગાંધીનગરનું સીધું જોડાણ: કરોડોના ખર્ચે આકર્ષક સિગ્નેચર બ્રીજ તૈયાર
ગાંધીનગર :ગાંધીનગર શહેરને ગિફ્ટ સિટી સાથે સીધું જોડાણ આપવા માટે હાથ ધરાયેલી સિગ્નેચર બ્રીજની યોજના આખરે પૂર્ણ થઇ છે. રૂપિયા 90 કરોડના ખર્ચની યોજનામાં હવે માત્ર બ્રીજને જોડતાં રસ્તાનું કામ બાકી છે. જે જાન્યુઆરી મહિનાની શરૂઆતમાં પૂર્ણ કરી દેવા માટે માર્ગ અને મકાન વિભાગ દ્વારા જોર લગાડવામાં આવ્યું છે. સાથે જ માર્ગના કામમાં નડતર થતાં દબાણ દુર કરવા કલેક્ટરને જાણ પણ કરવામાં આવી છે. એક તરફ રાજ્ય સરકાર દ્વારા વાઇબ્રન્ટ સમિટની તૈયારીઓ કરવામાં આવી રહી છે. ત્યારે વડાપ્રધાન ગાંધીનગર આવે તે દિવસોમાં બ્રીજનું લોકાર્પણ કરવાના તંત્રના મનસૂબા છે.
જાન્યુઆરીના પ્રથમ સપ્તાહમાં લોકાર્પણ કરતાં પહેલા બ્રીજને જોડતાં રસ્તાનું કામ કરી દેવાશે
રાજ્ય સરકાર દ્વારા ફાઇનાન્સ અને બેંકિંગ સહિત વ્યાપારી પ્રવૃતિઓને વિકસાવવા આંતર રાષ્ટ્રીય કક્ષાનો ગિફ્ટ સિટી પ્રોજેક્ટ હાથ ધર્યો છે અને તે પાટનગરની ભાગોળે શાહપુર, રતનપુર અને ફિરોજપુરના ત્રિભેટે 1 હજાર એકર જેવા વિશાળ જમીન વિસ્તારમાં આ યોજના પર કામ થઇ રહ્યું છે. જ્યાં દેશ વિદેશની કંપનીઓ દ્વારા તેમની કચેરીઓ કાર્યરત કરવામાં આવી રહી છે. હાલમાં અહીં 29 માળની બે ઇમારત બાંધવામાં આવી છે અને તે બન્નેમાં વિવિધ કચેરીઓ ધમધમતી થઇ ગઇ છે. ઉપરાંત વધુને વધુ કચેરીઓને કાર્યરત કરવા સરકાર મથી રહી છે.
આ સંજોગોમાં ગાંધીનગરને સીધા ગિફ્ટ સિટી સાથે જોડવા માટે શાહપુર ગામ પાસે સાબરમતી નદી પર સિગ્નેચર બ્રીજ બાંધવાની યોજના હાથ પર લેવાઇ હતી, આ કામ આખરે પૂર્ણ થઇ ગયું છે. પરંતુ નદીના સામા છેડાથી બ્રીજને જોડતાં માર્ગ પર કાચા મકાનના દબાણો હોવાથી રસ્તાના કામમાં વિઘ્ન આવે તેમ છે. દબાણો દુર કરી આપવા માટે માર્ગ અને મકાન વિભાગ દ્વારા કલેક્ટરને જાણ કરીને યોગ્ય કાર્યવાહી કરવા કહેવામાં આવ્યું છે.
PDPU રોડનું વાઇડનિંગ પણ કરાશે
ગિફ્ટ સિટી તરફ જતાં અન્ય રાયસણ ગામથી જતાં મુખ્ય માર્ગને પણ પહોળો કરવામાં આવનાર છે. આ કામગીરી ગાંધીનગર શહેરી વિકાસ સતામંડળ દ્વારા કરાશે. જેમાં પંડિત દિન દયાલ પેટ્રોલિયમ યુનિવર્સિટી પાસેના વિસ્તારમાં માર્ગનું વાઇડનિંગ કરાશે.