મહેસાણામાં મહાશિવરાત્રી પર્વએ રામ મંદિર તથા રથયાત્રા ભવનનું ખાતમૂર્હત
મહેસાણા
શ્રી રામ સેવા સમિતિ મહેસાણા દ્વારા શ્રીરામ મંદિર તથા રથયાત્રા ભવન નિર્માણનું ખાત મુર્હત રાજ્યના નાયબ મુખ્યમંત્રીના હસ્તે કરવામાં આવ્યું હતું. શિવરાત્રીના પવિત્ર દિવસે મહેસાણા રામ મંદિર નિર્માણનો શિલાન્યાસ કરવામાં આવતા ધાર્મિક વાતાવરણ ઉભું થયું હતું.
મહેસાણામાં રામ મંદિર અને રામ નવમીની રથયાત્રાનો શિલાન્યાસ થયો છે. રામ નવમીની રથયાત્રાએ મહેસાણાને ગૌરવ અને પ્રતિષ્ઠા આપી છે તેમ જણાવી રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલે વધુમાં જણાવ્યું હતું કે શ્રીરામ સેવા સમિતિ દ્વારા રામ મંદિર, અંબાજી મંદિર અને ભારત માતાની પ્રતિમાનુ એક સ્થળે પ્રસ્થાપિત કરવાથી ધાર્મિક, રાષ્ટ્રીય અને સામાજીક સમરસતાનો ત્રિવેણી સંગમ રચાયો છે. ધર્મ, સંસ્કૃતિ, સુરક્ષા અને સલામતી થકી મહેસાણા જિલ્લાનો વિવિધ સ્તરે વિકાસ થયો છે તેમ જણાવી તેમણે ઉમેર્યું હતું કે જિલ્લા માટે આ વર્ષે ઐતિહાસીક વર્ષ બન્યું છે.
અયોધ્યામાં રામ મંદિર નિર્માણના ડગ અને મહેસાણામાં રામ મંદિર નિર્માણનો શિલાન્યાસ થયો છે. મહેસાણા જિલ્લામાં ૧૯૮૨થી રામનવમી નિમિત્તે રથયાત્રાનું આયોજન કરવામાં આવેલ છે. આ વર્ષે ૨ એપ્રિલે ૩૯મી રથયાત્રાનું આયોજન કરેલ છે. રથયાત્રાની સુવિધા માટે રથયાત્રા ભવનનું શિલારોપણ નાયબ મુખ્યમંત્રીના હસ્તે કરાયું હતું. કાર્યક્રમમાં મહેસાણા સાંસદ શારદાબેન પટેલ શ્રીરામ સેવા સમિતિના પ્રમુખ ર્ડા.જી.કે.પટેલ, એપીએમસી ચેરમેન ખોડાભાઈ પટેલ સહિત આગેવાનો, સાધુ-સંતો સમિતિના કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.