“નમસ્તે ટ્રમ્પ” માટે ઓચીંતા આયોજક “ટ્રમ્પ અભિવાદન સમિતિ”, સવાલો શરુ
અમદાવાદ
અમદાવાદના વિશ્વના સૌથી મોટા મોટેરા સ્ટેડિયમના લોકાર્પણ પ્રસંગે અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ઉપસ્થિત રહેશે અને સંદર્ભમાં કરોડોના ખર્ચે સ્ટેડિયમમાં દબદબાભર્યો કાર્યક્રમ યોજાશે, ટ્રમ્પનું અભિવાદન કરવા 22 કિ.મીટરનો રોડ-શો યોજાનાર છે. આ તમામ કાર્યક્રમોના આયોજન માટે સરકારે અમદાવાદના મેયર બિજલ પટેલના ચેરપર્સનપદે ‘ડોનાલ્ડ ટ્રમ્પ નાગરિક અભિવાદન સમિતિ’ની રચના કરી હોવાની ઓચીંતી જ જાહેરાત કરતાં નવો વિવાદ ખડો થયો છે. કાર્યક્રમ પાછળ થનારા કરોડોના ખર્ચને એડજેસ્ટ કરવા આમ કરાયું હોવાની ચર્ચા શરૂં થઇ છે.
આ અંગેની વિગતો એવી છે ક કોંગ્રેસના પ્રવકતા સુરજેવાલે ટવીટ કરીને કેટલાક પ્રશ્નો ઉભા કર્યા છે. તેમણે જણાવ્યું છે કે પ્રિય પ્રધાનમંત્રી કૃપા કરીને બતાવશો કે ડોનાલ્ડ ટ્રમ્પ અભિનંદન સમિતિના અધ્યક્ષ કોણ છે ? આ સમિતિએ ક્યારે નિમંત્રણ મોકલ્યું અને ક્યારે સ્વીકારાયું ? ટ્રમ્પ એવું કેમ કહે છે કે તેમના સ્વાગતમાં 70 લાખ લોકો ઉપસ્થિત રહેશે તેવું વચન કોણે આપ્યું હતું ? વિદેશ નીતિ એક ગંભીર વિષય છે, એ કોઇ ઇવેન્ટ મેનેજમેન્ટનો હિસ્સો નથી.
આવી બાબતોનો જવા આપવા ટ્રમ્પ અભિવાદન સમિતિની તાબડતોબ રચના કરાઇ હોવાનું જણાય છે. કેમકે અત્યાર સુધી જેટલું પ્રચાર સાહિત્ય છપાયું, હોર્ડિંગ્સ ઉભા કરાયા તેમાં કયાંય આ સમિતિનું નામ નથી. ખૂદ મેયરના વર્તુળોમાં પણ આશ્ચર્ય ફેલાયું હોવાનું કહેવાય છે. બીજી તરફ અત્યાર સુધી કમિશનરે એમ કહ્યું હતું કે રોડ શોનો ખર્ચ મ્યુનિ. કોર્પોરેશન પર છે. આ માટે તમામ રોડનું રિપેરીંગ, લાઇટીંગ, ફુલછોડ-ગ્રીનરીનું વાવેતર, બસોની વ્યવસ્થા, પાણી, છાસ અને નાસ્તાની વ્યવસ્થાનો ખર્ચ મ્યુનિ. દ્વારા થઈ રહ્યો છે. નવી સ્થિતિમાં ખર્ચ મ્યુનિ. કરશે કે અભિવાદન સમિતિ તે પ્રશ્ન ઊભો થયો છે.
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આજે જણાવ્યું હતું કે મેયર બિજલ પટેલના ચેરપર્સન પદે ટ્રમ્પ અભિવાદન સમિતિની રચના થઇ છે, જેમાં બે સંસદ સભ્યોનો પણ સમાવેશ થાય છે. બીજી તરફ ભારત સરકારના વિદેશ મંત્રાલયના પ્રવકતા રવીશ કુમારે ગઇકાલે દિલ્હીની પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું હતું કે અમદાવાદમાં યોજાઇ રહેલા નમસ્તે ટ્રમ્પ કાર્યક્રમનો ખર્ચ ડોનાલ્ડ ટ્રમ્પ નાગરિક અભિવાદન સમિતિ કરી રહી છે.