ગાંધીનગરગુજરાત

ગાંધીનગર મેયરની નિમણૂંક ગેરબંધારણીય હોવાની કોંગ્રેસની પીટીશન કોર્ટે ફગાવી

ગાંધીનગર
ગાંધીનગર મહાનગરપાલિકાના મેયરની ચુંટણી માટે ગત તા.પ નવેમ્બર ર૦૧૮ના રોજ મળેલી બેઠક અને મેયરની નિમણૂંક ગેરબંધારણીય હોવા અંગે કોંગ્રેસ દ્વારા ગુજરાત હાઈકોર્ટમાં બે પીટીશન દાખલ કરવામાં આવી હતી જે હાઈકોર્ટ દ્વારા સુનાવણીના અંતે ફગાવીને મેયરની નિમણૂંકને યોગ્ય ઠેરવતાં ભાજપ ઘેલમાં આવી ગયું છે અને કોંગ્રેસના રાજકીય કાવાદાવા નિષ્ફળ રહયાનો પણ મહાનગરપ્રમુખે આક્ષેપ કર્યો છે.
ગાંધીનગર મહાનગરપાલિકામાં તત્કાલિન મેયરની ટર્મ પુરી થયા બાદ નવા મેયરની ચુંટણી માટે તા.પ નવેમ્બર ર૦૧૮ના રોજ સામાન્ય સભા બોલાવવામાં આવી હતી. જેમાં હાઈકોર્ટની અગાઉની સૂચનાના પગલે મેયરની ચૂંટણી માટે વોટીંગ બંધ કવરમાં રાખવામાં આવ્યું હતું. જો કે મેયર તરીકે રીટાબેન કેતનકુમાર પટેલે હાઈકોર્ટના બીજા આદેશ બાદ ચાર્જ પણ સંભાળી લીધો હતો. આ મામલે મેયરની આ ચૂંટણી જ ગેરબંધારણીય હોવા અંગે કોંગ્રેસ દ્વારા ગુજરાત હાઈકોર્ટમાં પીટીશન દાખલ કરવામાં આવી હતી.
ત્યારબાદ બીજી એક પીટીશન પણ દાખલ થઈ હતી. જે સંદર્ભે હાઈકોર્ટમાં અવારનવાર સુનાવણીઓ પણ હાથ ધરાઈ હતી ત્યારે ગઈકાલે કોંગ્રેસની આ બન્ને પીટીશન હાઈકોર્ટે કાઢી નાંખી હતી અને મેયરની ચૂંટણીને યોગ્ય ઠેરવી હતી. ત્યારે આ મામલે ગાંધીનગર મહાનગર ભાજપના પ્રમુખ મહેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે ગાંધીનગર કોર્પોરેશનમાં લોકતાંત્રિક ઢબે ચુંટાયેલા મહીલા મેયરને હોદ્દા ઉપરથી દુર રાખવા માટે રાજકીય કાવાદાવા ઉપરાંત કોંગ્રેસ દ્વારા કાનુની વિવાદ પણ ઉભો કરાયો હતો. પરંતુ હાઈકોર્ટના ચુકાદાથી તેમના આ કાવાદાવા નિષ્ફળ રહયા છે. પાટનગરને ગ્રીન અને ક્લીન સીટી સાથે સ્માર્ટ સીટી બનાવવાના ધ્યેય સાથે કામ કરી રહેલા ભાજપના હોદ્દેદારો, કાઉન્સિલરોનો આ હુકમને પગલે ઉત્સાહ વધ્યો છે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x