વિશ્વના દેશોએ કોરોના સામે લડવા નાગરિકોને રોકડ સહાય જાહેર કરી.
વોશિંગ્ટન :
ચીન, અમેરિકા, ઈટાલી જેવા દેશોમાં તાળાબંધીની સ્થિતિના કારણે અનેક દેશોમાં ઔદ્યોગિક ઉત્પાદન ઠપ્પ થઈ ગયું છે. લોકો પર જીવના જોખમની સાથે આર્થિક સંકટની પણ સમસ્યા ઊભી થઈ છે. આવા સમયે અમેરિકા, સિંગાપોર, હોંગકોંગે નાગરિકોને પ્રત્યક્ષ રોકડ સહાયની જાહેરાત કરી છે. જોકે, ભારતમાં આ પ્રકારે નાગરિકો માટે આર્થિક સહાયની કોઈ જાહેરાત નથી થઈ.
અમેરિકાની ૧,૦૦૦ ડોલરની સહાય
અમેરિકામાં કોરોના વાઈરસનો સામનો કરતાં લોકોની આવકમાં ઘટાડો આવતાં વર્ષના અંતે પ્રમુખપદની ચૂંટણી માટે જઈ રહેલાં પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે નાગરિકો માટે માસિક ૧,૦૦૦ ડોલરની યોજનાની જાહેરાત કરી છે. ટ્રમ્પ તંત્રે બેરોજગારી વીમા માટે ઈમર્જન્સી ગ્રાન્ટ્સમાં ૧ અબજ ડોલરની સહાયનું પેકેજ જાહેર કર્યું છે.
સિંગાપોરની કામદારોને રોકડ ગ્રાન્ટ
સિંગાપોરે સ્થાનિક કામદારો માટે રોકડ સહાયની યોજના રજૂ કરી છે. આ યોજના હેઠળ કોરોના વાઇરસના આ સમય દરમિયાન પણ સ્થાનિક કામદારોની રોજગારી જળવાઈ રહેશે તેમ ડેપ્યુટી વડાપ્રધાન હેંગ સ્વી કેટે જણાવ્યું હતું. જોબ્સ સપોર્ટ સ્કીમ હેઠળ સ્થાનિક કામદારોને માસિક ૩,૬૦૦ ડોલર સુધીની સહાય કરાશે. સિંગાપોર આ વર્ષે જુલાઈમાં ૧.૩ અબજ ડોલરનું પેકેજ જાહેર કરશે, જેનો લાભ ૧.૯ મિલિયન કર્મચારીઓને મળશે.
હોંગકોંગની ૧,૨૦૦ ડોલરની ગીફ્ટ
નાણાકીય સંકટમાં મુકાયેલા નાગિરકોને સહાય પૂરી પાડવા માટે હોંગકોંગે તેના નાગરિકોને ૧,૨૦૦ યુએસ ડોલરની સહાય આપવાની યોજના બનાવી છે. હોંગકોંગે તેના ૧૦,૦૦૦ યુએસ ડોલરના પેકેજની જાહેરાત કરી છે, જેનો લાભ ૭૦ લાખથી વધુ લોકોને મળશે. હોંગકોંગમાં ૧૮ વર્ષથી વધુ વયના કાયમી નિવાસી લોકો આ સહાય માટે પાત્ર હશે. અર્થતંત્ર પર કોરોનાની અસરો ઘટાડવા માટે હોંગકોંગે ૧૨૦ અબજના રાહત પેકેજની જાહેરાત કરી છે.
જર્મનીમાં ઉદ્યોગોને ૧.૧ અબજ ડોલર
નાગરિકોને સહાયની સાથે યુરોપના દેશોએ કોરોનાના કારણે આર્થિક સંકટનો સામનો કરતી કંપનીઓને પણ રાહત આપવાની જાહેરાત કરી છે. જર્મનીએ દરેક કદની કંપનીઓ અને ઉદ્યોગો માટે ૧.૧ અબજ ડોલરનું ભંડોળ પૂરું પાડવાની જાહેરાત કરી છે. આ ધિરાણ સરકારી માલિકીની કેએફડબલ્યુ બિઝનેસ ડેવલપમેન્ટ બેન્ક મારફત કરાશે. ઉપરાંત કંપનીઓને અનેક કર રાહતો અપાશે તથા લોનની વિલંબથી ચૂકવણી પર દંડ વસૂલવામાં નહીં આવે.
સ્પેનમાં કામદારો માટે ૨૧૯ અબજ ડોલર
સ્પેનના વડાપ્રધાન પેડ્રો સાંચેઝે કોરોના વાઈરસના જોખમનો સામનો કરતી કંપનીઓના કામદારો અને નબળા જૂથોના રક્ષણ માટે ૨૧૯ અબજ ડોલરના ભંડોળની જાહેરાત કરી છે. સ્પેનિશ સરકાર ૧૧૭ અબજ યુરો એકત્ર કરશે જ્યારે બાકીનું ભંડોળ ખાનગી કંપનીઓ પૂરું પાડશે.
ફ્રાન્સનું ૫૦ અબજનું સહાય પેકેજ
ફ્રાન્સે નાની કંપનીઓ માટે ૫૦ અબજ ડોલરના સહાય પેકેજની જાહેરાત કરી છે. આ ઉપરાંત તેમણે કોરોનાના કારણે દુકાનો અને રેસ્ટોરાં બંધ રાખવાની ફરજ પડતાં બેરોજગાર થઈ ગયેલાં કામદારો માટે અબજો ડોલરની સહાયની જાહેરાત કરી છે.
યુકેનું ૧૪.૫ અબજનું ઈમર્જન્સી ભંડોળ
બ્રિટનના નવા નિમાયેલા કાઉન્સિલર ઋષિ સુનાકે કોરોના વાઈરસનો સામનો કરવા માટે ૧૪.૫ અબજ ડોલરના ઈમર્જન્સી નાણાકીય પેકેજની જાહેરાત કરી છે.
આ નાણાકીય પેકેજ રીટેલ અને હોસ્પિટાલિટી ઉદ્યોગમાં કોરોના વાઈરસનો સામનો કરી રહેલાં કામદારોને રાહત પૂરી પાડશે.