ગાંધીનગરગુજરાત

સમગ્ર વિશ્વમાં ફેલાયેલા નોવેલ કોરોના વાયરસ COVID-19ને લઈને વિપક્ષ નેતાશ્રી પરેશભાઈ ધાનાણી એ મુખ્યમંત્રીશ્રીને શું લખ્યો પત્ર જાણો…

ગાંધીનગર :
તાજેતરમાં સમગ્ર વિશ્વમાં નોવેલ કોરોના વાયરસ COVID-19 ફેલાયેલો છે. વિશ્વ આરોગ્યસ સંસ્થામ(WHO)એ પણ નોવેલ કોરોના વાયરસને PANDEMIC (મહામારી) જાહેર કરેલ છે. આજે વિશ્વના ૧૭૦ ઉપરાંત દેશોમાં કોરોના વાયરસ અતિ તીવ્રતાથી ફેલાઈ ગયેલ છે. નોવેલ કોરોના વાયરસનો કહેર દિવસેને દિવસે ખતરનાક અને જીવલેણ થતો જાય છે, પરિણામે વિશ્વમાં હજારો માનવ જિંદગીઓ મોતના ખપ્પરમાં ધકેલાતી જાય છે. નોવેલ કોરોના વાઈરસની મહામારીથી બચવા માટે તકેદારીના પગલાં સ્વરૂપે વિશ્વ આરોગ્ય સંસ્થા, ભારત સરકાર તથા ગુજરાત સરકારે માર્ગદર્શિકા પ્રસિદ્ધ કરેલ છે અને તેને અનુરૂપ તબક્કાવાર વિવિધ પગલાઓ ભરવા અતિ આવશ્યક બનેલ છે.

આજે સમગ્ર ભારત દેશ સહીત ગુજરાત રાજ્યમાં પણ કોરોના વાયરસના દર્દીઓની સંખ્યા સતત વધતી જાય છે અને અમુલ્ય માનવ જીવન મોતના મોમાં ધકેલવાની શક્યતાઓ છે ત્યારે કોરોના વાયરસનો ફેલાવો અટકાવવા માન.પ્રધાનમંત્રીશ્રીએ તા. રર-૩-ર૦ર૦ના રોજ જનતા કફર્યુ રાખવાની સમગ્ર દેશના નાગરિકોને અપીલ કરેલ છે તેનું જવાબદાર રાજકીય વિપક્ષ તરીકે સમર્થન કરું છું અને સ્વેચ્છિક રીતે માર્ગદર્શિકાઓનું પાલન કરવા માટે સૌ ગરવા ગુજરાતીઓને અપીલ કરું છું.

આજે નોવેલ કોરોનાની વૈશ્વિક મહામારીએ સમગ્ર વિશ્વના દેશો સહીત ભારત અને ગુજરાતના અર્થતંત્રને હચમચાવી નાખ્યું છે. સામાન્ય લોકો ઉપર જીવના જોખમની સાથે આર્થિક સંકટની પણ વિકટ સમસ્યા ઉભી થઇ છે અને ઔધોગિક ઉત્પાદન બંધ થવાના કારણે બેરોજગારીનું પ્રમાણ વધવાની શક્યતાઓ હજુએ વધતી જાય છે તેમજ જનતા કર્ફ્યુના કારણે વેપાર-ધંધા પણ ભાંગીને સંપૂર્ણ ઠપ્પ થઇ ગયેલ છે. કોરોના વાઈરસના ભય વચ્ચે જીવન જરૂરી ચીજવસ્તુઓની ખરીદીમાં મોંઘવારીએ માજા મૂકી છે અને તેની કૃત્રિમ અછતના કારણે કાળાબજારી થવાનો ભય પણ સૌને સતાવી રહ્યો છે.

હાલ નોવેલ કોરોનાની વૈશ્વિક મહામારીથી જન જીવનને બચાવવા માટે વિશ્વના દેશોએ તાત્કાલિક ધોરણે ખાસ બેલઆઉટ પેકેજ જાહેર કરેલ છે, જેમાં (૧) યુ.કે. ૩૯ બીલીયન ડોલર, (ર) યુ.એસ.એ. ૧.ર ટ્રીલીયન ડોલર, (૩) ફ્રાન્સબ ૪૫ બીલીયન ડોલર, (૪) ન્યુયઝીલેન્ડી ૮ બીલીયન ડોલર, (પ) ઈટાલી ર૮ બીલીયન ડોલર, (૬) કેનેડા પ૬ બીલીયન ડોલર, (૭) સાઉથ કોરીયા ૧૦ બીલીયન ડોલર, (૮) જર્મન ૧.૧ અબજ ડોલર, (૯) સ્પેપન ર૧૯ અબજ ડોલર, (૧૦) હોંગકોંગ પ્રત્યેડક નાગરિક ૧ર૦૦ ડોલર સહીત મોટાભાગના દેશોએ પ્રજાના લોન-દેવા માફ કરેલા છે, ટેક્સીમાં છુટછાટ આપેલ છે તેમજ કોરોના વાયરસના નિદાન અને ઉપચાર માટે પણ ખાસ વ્યવસ્થા ઉભી કરેલ છે. આ તમામ દેશોમાં લોકડાઉનની પરિસ્થિતિના કારણે ઔદ્યોગિક ઉત્પાેદન ઠપ થઈ જતાં અને લોકોના વેપાર-ધંધા બંધ થઈ જતાં લોકોની આર્થિક સ્થિાતિ કથળે નહીં તે માટે રોકડ સહાય તથા બેરોજગારી ભથ્થાની સહાય પણ જાહેર કરેલ છે.

નોવેલ કોરોનાની વૈશ્વિક મહામારીથી જન જીવનને બચાવવા માટે વિશ્વના તમામ દેશોએ જાહેર કરેલા ખાસ બેલઆઉટ પેકેજોનું અનુસરણ કરવામાં ભારત સરકાર હજુએ વિલંબ કરી રહી છે પરંતુ તાજેતરમાં કેરાલાની રાજ્ય સરકારે રૂ. ર૦ હજાર કરોડનું ખાસ પેકેજ જાહેર કરેલ છે ત્યારે આગામી દિવસોમાં ભારત સરકાર પણ ત્વરિત યોગ્ય કાર્યવાહી કરશે તેવી અપેક્ષા રાખું છું.

હાલ ગુજરાતમાં પણ કોરોના વાયરસના પોઝીટીવ કેસો નોંધાયા છે અને આવતા દિવસોમાં હજુએ કપરી પરિસ્થિતિનો સામનો કરવો પડે તેવા સંજોગો ઉભા થઇ રહ્યા છે ત્યારે રાજ્યવ સરકાર પ્રજાની મદદે આવે અને નોવેલ કોરોના વાયરસની મહામારીમાંથી પ્રજાને ઉગારી શકાય અને જનજીવનને સામાન્ય બનાવી શકાય તે માટે રાજ્યમમાં યુદ્ધના ધોરણે તકેદારીના પગલાં ભરવા અને નીચેની વિગતે ખાસ બેલઆઉટ પેકેજ જાહેર કરવા વિનંતી છે.

૧. સમગ્ર રાજ્યમાં દરેક તાલુકા મથકે વિનામુલ્યે આરોગ્યની ચકાસણી, નિદાન અને સારવારની ખાસ વ્યવસ્થા ઉભી કરવી જોઈએ.
૨. સમગ્ર રાજ્યમાં આરોગ્ય વિભાગ તેમજ સ્વેચ્છિક સંસ્થાઓ મારફતે વિના મુલ્યે માસ્ક અને સેનીટાઈઝર ઘરે ઘરે પહોચાડવાની વ્યવસ્થા કરવી જોઈએ.
૩. સમગ્ર રાજ્યમાં જાહેર વિતરણ વ્યવસ્થા અંતર્ગત આગામી ત્રણ મહિના સુધી વ્યાજબી ભાવની દુકાનેથી APL અને BPL સહીતના દરેક પરિવારોને અનાજ, કઠોળ, ચોખા, તેલ, ખાંડ સહીતના રાશનની કીટ વિના મુલ્યે પૂરી પાડવી જોઈએ.
૪. સમગ્ર રાજ્યમાં દૂધ અને શાકભાજી સહીતની જીવન જરૂરી ચીજવસ્તુઓ સરળતાથી અને વ્યાજબી ભાવે ઉપલબ્ધ થાય તેવી વ્યવસ્થા ઉભી કરવી જોઈએ.
૫. સમગ્ર રાજ્યમાં આગામી ત્રણ મહિના સુધી દરેક પરિવારને ઘર વપરાશનું વીજળી બીલ, પાણી વેરો, અને અન્ય તમામ સ્થાનિક કરવેરાઓ માંથી સંપૂર્ણ મુક્તિ આપવી જોઈએ.
૬. સમગ્ર રાજ્યમાં આગામી ત્રણ મહિના સુધી APL અને BPL સહીત ઓછી આવકવાળા દરેક ગરીબ પરિવારોને જીવન નિર્વાહ માટે વ્યક્તિદીઠ કેશડોલ્સ ની ચુકવણી કરવી જોઈએ.
૭. સમગ્ર રાજ્યમાં આગામી ત્રણ મહિના સુધી વૃદ્ધાવસ્થા, વિધવા અને ત્યાગતા સહીત તમામ પ્રકારના પેન્શનની આગોતરી ચુકવણી કરવી જોઈએ.
૮. સમગ્ર રાજ્યમાં ગરીબ પરિવારોને રાહતદરે નિયમિત ભોજન ઉપલબ્ધ કરાવવા માટે અન્નક્ષેત્ર ચલાવતી સામાજિક, ધાર્મિક અને સ્વેચ્છિક સંથાઓને પ્રોત્સાહક ગ્રાન્ટ ફાળવવી જોઈએ.
૯. સમગ્ર રાજ્યમાં મહાત્મા ગાંધી ગ્રામીણ રોજગાર ગેરેંટી યોજના અંતર્ગત નિયત કામગીરીમાં વધારાના 100 દિવસ રોજગારની બાહેંધરી આપવી જોઈએ.
૧૦. સમગ્ર રાજ્યમાં આગામી છ મહિના સુધી સરકારી અને ખાનગી શાળા-કોલેજોમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની સંપૂર્ણ ફી માફ કરવી જોઈએ.
૧૧. સમગ્ર રાજ્યમાં આગામી છ મહિના સુધી ગૃહલોન ના હપ્તાની પરત ચુકવણી સ્થગિત કરવી જોઈએ તથા તેના વ્યાજમાંથી સંપૂર્ણ મુક્તિ આપવી જોઈએ.
૧૨. સમગ્ર રાજ્યમાં આગામી છ મહિના સુધી બંધ થયેલા લઘુ, મધ્યમ અને મોટા ઉદ્યોગો સહીત અસંગઠિત ક્ષેત્રના કુશળ કારીગરો તેમજ શ્રમિક મજદૂરોને જીવન નિર્વાહ માટે મીનીમમ વેજીસ મુજબ બેરોજગારી ભથ્થું ચુકવવું જોઈએ.
૧૩. સમગ્ર રાજ્યમાં આગામી છ મહિના સુધી આર્થિક મંદીમાં સપડાયેલા વેપાર-ઉદ્યોગની કર વસુલાત સ્થગિત કરવી તથા કરવેરાના દરોમાં ખાસ રાહત આપવી જોઈએ.
૧૪. સમગ્ર રાજ્યમાં આગામી છ મહિના સુધી વ્યાપારીક તથા ઔધોગિક લોનના હપ્તાની વસુલાત સ્થગિત કરવી તથા તેના વ્યાજ અને દંડની રકમો સંપૂર્ણ માફ કરવી જોઈએ.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x