ગાંધીનગરગુજરાત

ગાંધીનગરના ૧૩ પ્રવેશદ્વારોએ હથિયારધારી જવાનો ગોઠવાયાં

ગાંધીનગર,મંગળવાર
ભારત અને પાકિસ્તાન વચ્ચે હાલમાં ચાલી રહેલી તણાવ ભરી સ્થિતિ વચ્ચે ભારતે કરેલી સર્જીકલ સ્ટ્રાઈકનો જવાબ પાકિસ્તાન કોઈપણ રીતે આપી શકે  છે ત્યારે સમગ્ર રાજ્યમાં હાઈએલર્ટ આપવામાં આવ્યું છે. આવી સ્થિતિમાં રાજ્યના પાટનગર ગાંધીનગરને પણ વિશેષ સુરક્ષા કરવામાં આવી રહી છે. પાટનગરમાં પ્રવેશતા તમામ પ્રવેશદ્વારો ઉપર હથિયારધારી પોલીસ જવાનો ગોઠવી દેવાયા છે અને રાઉન્ડ ધી ક્લોક વાહનોનું ચેકીંગ કરવામાં આવી રહયું છે. એટલું જ નહીં શંકાસ્પદ વ્યક્તિઓની હીલચાલ ઉપર પણ સ્થાનિક પોલીસને જાણ કરવા માટે જણાવી દેવાયું છે. હાલમાં જાહેર ગરબા સ્થળો ઉપર પણ પોલીસ બંદોબસ્ત વધારાયો છે તેમજ એસઆરપી જવાનોને પણ બંદોબસ્તમાં ગોઠવવામાં આવ્યા છે.

જમ્મુ કાશ્મીરના ઉરીમાં ગયા મહીને આર્મી કેમ્પ ઉપર થયેલા આતંકવાદી હુમલામાં ૧૮ જવાનો શહીદ થયા હતા. આ ઘટના બાદ સમગ્ર દેશમાં પાકિસ્તાન પ્રત્યે ધિક્કારની લાગણી ઉભી થઈ હતી. વારંવારની આ પ્રવૃતિ સામે પાકિસ્તાનને જવાબ આપવા માટે દેશ આખામાંથી એકસૂર ઉઠયો હતો ત્યારે ભારતીય સૈન્યએ તેના વળતાં પ્રહાર રૃપે એલઓસી ક્રોસ કરી પાકિસ્તાનમાં રહેલા આતંકવાદી કેમ્પો ઉપર સર્જીકલ સ્ટ્રાઈક કરીને ૩૮ જેટલા આતંકવાદીઓને મોતને ઘાટ ઉતાર્યા હતા. આતંકવાદી પ્રવૃતિ માટે પંકાયેલા પાકિસ્તાન દ્વારા આ સર્જીકલ સ્ટ્રાઈકને કોઈપણ રીતે જવાબ આપવાની શક્યતાઓ છે ત્યારે પાકિસ્તાનને અડીને આવેલા ગુજરાતમાં પણ પોલીસને એલર્ટ કરી દેવામાં આવી છે. ગત શનિવારે જ રાજ્યના ગૃહ વિભાગે યોજેલી બેઠકમાં બોર્ડર ઉપરના જિલ્લાઓ તેમજ રાજ્યના પાટનગર ગાંધીનગરમાં વિશેષ તકેદારી રાખવાની સૂચના આપી હતી. જેના પગલે ગાંધીનગરના ૧૩ જેટલા પ્રવેશદ્વારો ઉપર હથિયારધારી જવાનો ગોઠવીને વાહનોનું સઘન ચેકીંગ હાથ ધરવામાં આવી રહયું છે.

પોલીસની સાથે એસઆરપી જવાનોને પણ મુકી દેવામાં આવ્યા છે. હાલમાં નવરાત્રીનું પર્વ ચાલી રહયું છે ત્યારે જાહેર ગરબા સ્થળો ઉપર પણ શંકાસ્પદ વ્યક્તિઓની હીલચાલ ઉપર પોલીસ દ્વારા ખાસ નજર રાખવામાં આવી રહી છે. એટલું જ નહીં, નાગરિકોને પણ કોઈપણ શંકાસ્પદ વ્યક્તિની જાણ સ્થાનિક પોલીસને કરવા માટે સૂચના આપવામાં આવી છે. પાટનગરમાં વિધાનસભા સચિવાલય તેમજ મંત્રી નિવાસ જેવા મહત્વના સ્થળો હોવાના કારણે પોલીસ સલામતીમાં કોઈ કચાશ રાખવા માંગતી નથી. આગામી તા.૯મીએ રૃપાલમાં યોજાનારી પલ્લીમાં પણ લાખ્ખો શ્રધ્ધાળુઓ ઉમટી પડવાના છે ત્યારે ત્યાં પણ જડબેસલાક પોલીસ બંદોબસ્તનું આયોજન ગોઠવી દેવામાં આવ્યું છે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x