ગઠીયાએ મહિલાનો એટીએમ પીન મેળવી ૩૯ હજાર ઉપાડયાં
ગાંધીનગર,મંગળવાર
હાલમાં નેટબેંકીગના જમાનામાં ગઠીયા ટોળકીઓ કોઈને કોઈ બેંકના નામે એટીએમ કાર્ડધારકોને ફોન કરી તેમના બેંક એકાઉન્ટના એટીએમના પીન નંબર મેળવી રૃપિયા ઉપાડી રહયા છે ત્યારે શહેરના રાંદેસણમાં રહેતી મહિલાને તમારા સસરાનો ચેક બાઉન્સ થયો છે તેમ કહી એસબીઆઈ બેંકના એટીએમનો પીન નંબર મેળવીને ગઠીયાએ ૩૯ હજાર રૃપિયા ઉપાડી લેતા સે-૭ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે જેના આધારે પોલીસે ગુનો નોંધી ગઠીયાઓની શોધખોળ શરૃ કરી છે.
હાલના આધુનિક યુગમાં ટેકનોલોજીનો વિસ્તાર થયો છે જેમાં ખાસ કરીને નેટ બેંકીગની સેવા ખુબજ ઝડપી વિકાસ પામી છે. દરેક નાગરિક બેંકમાં ખાતુ ધરાવતાં હોવાથી એટીએમ કાર્ડથી સરળતાથી રૃપિયા ઉપાડી શકે છેતો વસ્તુ પણ ખરીદી શકે છે. ત્યારે ઓનલાઈનના યુગમાં હાઈટેક ગઠીયાઓ પણ સક્રિય થયા છે.
એટીએમ ધારકોને બેંકના નામે ફોન કરીને બેંકના નામે ફોન કરી રૃપિયા ઉપાડી રહયા છે. ગાંધીનગરમાં છેલ્લા ઘણાં સમયથી આ પ્રકારના ગુનાઓ વધી રહયા છે અને લોકોને પણ બેંક દ્વારા કોઈપણ વ્યક્તિગત માહિતી ફોન ઉપર જાહેર નહીં કરવા સુચના આપવામાં આવી રહી છે તેમ છતાં ગઠીયાઓ તેમના મનસુબા પાર પાડી રહયા છે. શહેર નજીક આવેલા રાંદેસણના ઉર્જાનગરમાં રહેતાં વર્ષાબેન રમેશભાઈ પારગીના મોબાઈલ ઉપર ગત તા.ર૯ સપ્ટેમ્બરના રોજ ફોન આવ્યો હતો અને તેણે જણાવ્યું હતું કે તમારા સસરાનો ચેક બાઉન્સ થયો છે જેથી તમે એટીએમનો પીન નંબર આપો જેથી ચેક ક્લીયર થઈ જાય. જેના પગલે તેમણે પીન નંબર આપ્યો હતો અને આ ગઠીયાઓએ તેમના ખાતામાંથી ૩૯ હજાર રૃપિયા ઉપાડી લીધા હતા. વર્ષાબેનને છેતરાયાનો અહેસાસ થતાં તેમણે આ અંગે સે-૭ પોલીસ સ્ટેશનમાં છેતરપીડીની ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી વધુ તપાસ શરૃ કરી છે. અત્રે ઉલ્લેખનીય છે કે આ પ્રકારના એકપણ ગુનાનો હજુ સુધી આરોપી ઝડપાયો નથી.