આવતીકાલે વડાપ્રધાનના રાત્રે ૯.૦૦ કલાકે દીપ પ્રગટાવવાના આહ્વાનને સફળ બનાવવા નાગરિકોને રાજ્ય સરકારનો અનુરોધઃ નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઇ પટેલ
ગાંધીનગર :
નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઇ પટેલે જણાવ્યું છે કે નોવેલ કોરોના વાયરસની મહામારી અને તેના સંક્રમણને અટકાવવા માટે દેશભરમાં લોકડાઉનનો ચુસ્તપણે અમલ થઇ રહ્યો છે ત્યારે ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ દેશના નાગરિકોને આવતીકાલ તારીખ ૫મી એપ્રિલ ૨૦૨૦ ના રોજ રાત્રે ૯.૦૦ કલાકે દીપ પ્રગટાવી પ્રકાશ રેલાવવાનું આહવાન કર્યું છે તેને સફળ બનાવવા રાજ્યના નાગરિકોને રાજ્ય સરકાર દ્વારા અનુરોધ કરાયો છે.
શ્રી પટેલે કહ્યું કે વડાપ્રધાનશ્રીના આ આહવાનને સફળ બનાવવા રાજ્યના સૌ નાગરિકોએ પોતાના ઘરની લાઈટો બંધ રાખીને પોતાના ઘરના આંગણામાં કે ફ્લેટની બાલ્કનીમાં રહી યોગ્ય સોશિયલ ડિસ્ટન્સ જાળવીને દીપ પ્રગટાવે એ જરૂરી છે. લોકડાઉનનો ચુસ્તપણે અમલ કરીને સરઘસ કે રેલી સ્વરૂપે બહાર ન નીકળવા પણ નાગરિકોને રાજ્ય સરકાર દ્વારા અપીલ કરાઇ છે.
શ્રી પટેલે કહ્યું કે આવતીકાલે રાત્રીના નવ કલાકથી નવ મિનિટ માટે લાઈટો બંધ કરવા જણાવાયું છે, તે સંદર્ભે દેશમાં એક સાથે લાઈટો બંધ થાય તો ગ્રીડમાં ભંગાણ પડે તેવી સ્થિતિ ન સર્જાય તે માટે પણ કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા પૂરતી તકેદારી રાખવામાં આવનાર છે. આ સમયે રાજ્યના બધા જ મહાનગરો, નગરોમાં સ્ટ્રીટલાઈટો ચાલુ રહેશે. એ જ રીતે ખેડૂતોને સિંચાઈની સુવિધા પૂરી પાડવા પૂરી પાડવામાં આપવામાં આવતો વીજ પુરવઠો, હોસ્પિટલો, જીવન જરૂરી ચીજવસ્તુઓનું ઉત્પાદન કરતી ફેક્ટરીઓમાં પણ વીજ પુરવઠો યથાવત રહેશે. એટલે નાગરિકોએ ખોટી અફવાઓથી ગેરમાર્ગે દોરાવાની જરૂર નથી તેમ તેમણે ઉમેર્યું છે.