કોરોના સામે લડવા રાજ્યના તમામ મંત્રી-MLAના પગારમાં 30 %નો કાપ, ધારાસભ્યોની 1.50 કરોડની ગ્રાન્ટનો પણ ખર્ચ કરાશે.
ગાંધીનગર :
કોરોના મહામારી સામે લડવાના ખર્ચ માટે મુખ્યમંત્રી રૂપાણીએ સંદર્ભે બે મહત્વપૂર્ણ જાહેરાત કરી છે. મુખ્યમંત્રીએ આ જાહેરાત કરતા કહ્યું કે રાજ્યના તમામ ધારાસભ્યો અને મંત્રીઓ એક વર્ષ એટલે કે 31 માર્ચ 2021 સુધી દર મહિને તેમને મળતા વેતનમાં 30 ટકાનો કાપ સ્વીકારી આ રકમ કોરોના મહામારી સામે થનારા ખર્ચમાં આપશે. મુખ્યમંત્રીએ કહ્યું કે રાજ્યના તમામ ધારાસભ્યોને મળતી 1 કરોડ 50 લાખની MLA લેડ ગ્રાન્ટ પણ એક વર્ષ એટલે કે 31 માર્ચ 2021 સુધી કોરોના સામે પ્રજાના હિતમાં થનારા ખર્ચ માટે વાપરવામાં આવશે.
મુખ્યમંત્રીએ વધુમાં કહ્યું કે કેન્દ્રની મોદી સરકારે બે વર્ષ સુધી સાંસદોના પગારમાં 30 ટકા કાપ કરીને તે રકમ કોરોના સામે થનાર ખર્ચમાં અને MP લેડ ફંડની રકમ પણ બે વર્ષ માટે કોરોના સામે લડવાના ફંડમાં આપવાનો જે નિર્ણય કર્યો છે તેનું સમર્થન કરતા ગુજરાત સરકારે પણ આ નિણર્ય કર્યા છે. નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ અને ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાની ઉપસ્થિતિમાં યોજાયેલી કોર કમિટીની બેઠકમાં આ અંગે નિર્ણય લેવામાં આવ્યો હતો.