કોવિડ હૉસ્પિટલને પગલે ગાંધીનગર સિવિલના નવા બિલ્ડિંગના 8 વોર્ડને ક્યાં લઈ જવાશે જાણો વધુ..
ગાંધીનગર :
કોરોનાના વધતા જતા કેસને પગલે ગાંધીનગર સિવિલ હોસ્પિટલના નવા બિલ્ડિંગમાં 300ના બદલે 600 બેડની કોવિડ હોસ્પિટલ બનાવાશે. આથી નવી હોસ્પિટલના મેડિસિન, ઓર્થોપેડિક, આંખ, બાળકો, સર્જરી, ડેન્ટલ, સ્ક્રીન, ઇએનટી સહિતના વોર્ડને જૂની બિલ્ડિંગમાં ફેરવવામાં આવશે. હાલમાં કોરોનાને પગલે ઇન્ડોર 150 જેટલા દર્દી છે.
કોવિડ હૉસ્પિટલને પગલે કલેક્ટરની સાથે સિવિલના અધિકારીઓ સાથે બેઠક યોજાઈ
600 બેડની કોવિડ હોસ્પિટલ નવા બિલ્ડિંગમાં ઉભી કરવાની હોવાથી 8 માળની નવી બિલ્ડિંગમાં આવેલા વોર્ડેને જુના બિલ્ડિંગમાં શિફ્ટ કરાશે. કોરોના સંક્રમણથી હૉસ્પિટલમાં દાખલ અન્ય દર્દીઓ ભોગ ન બને તે માટે તમામ વોર્ડને જૂના બિલ્ડિંગમાં ખસેડવાનો નિર્ણય સિવિલ સત્તાધીશોએ લીધો છે. જોકે હાલમાં કોરોના વાયરસને પગલે હોસ્પિટલમાં ઓપીડી અને ઇન્ડોર દર્દીઓની સંખ્યામાં ઓટ આવી છે. ત્યારે ઇન્ડોર દર્દીઓમાં ઓર્થોપેડિક, સર્જરી, મેડિસીનના થઇને અંદાજે 90 જેટલા દર્દીઓ ઇન્ડોર સારવાર લઇ રહ્યા છે.
આઠમા માળે ક્રિટીકલ દર્દીઓ માટે ખાસ વોર્ડ બનાવાશે
કોવિડ હોસ્પિટલ બનાવવા માટે હોસ્પિટલના નવા બિલ્ડીંગનો ઉપયોગ કરવામાં આવશે. જેમાં આઠમા મજલે ક્રિટીકલ દર્દીઓ માટે ખાસ વોર્ડ બનાવવામાં આવશે. જેને સેન્ટર્લી એસી કરવાની કામગીરી હાલમાં ચાલી રહી છે.
ડાયાલીસીસ સેન્ટર, ICCUને ખસેડાશે?
નવા બિલ્ડિંગમાં 30 બેડનું ડાયાલીસીસી સેન્ટર છે. ઉપરાંત 20 બેડનો આઇસીસીયુ વોર્ડ આવેલો છે. બન્ને વોર્ડને ક્યાં ખસેડવા તે મોટો પ્રશ્ન સત્તાધીશોમાં ઊઠી રહ્યો છે. આસીસીયુ વોર્ડમાં ક્રિટીકલ દર્દીઓ આવતા હોવાથી તેના માટે સેન્ટ્રલી એસીની સાથે સાથે ઓક્સિજન તેમજ વેન્ટીલેટર સહિતની સુવિધા રાખવી જોઇએ. ડાયાલીસીસ સેન્ટરમાં પણ સેન્ટ્રલી એસીની સાથે ઓક્સિજન સહિતની સુવિધા જરૂરી છે.
નવા બિલ્ડિંગમાં 150 બેડનો મેડિસીન અને પિડીયાટ્રીક વોર્ડ, 100 બેડનો ઓર્થોપેડિક, 40 બેડનો આંખનો વોર્ડ છે. ડેન્ટલ, ઇએનટી, સ્ક્રીનના 30-30 બેડના વોર્ડ છે. સર્જરીનો 50 બેડનો વોર્ડ જૂના બિલ્ડિંગમાં ખસેડાશે.