ગાંધીનગર: સુઝુકી મોટર્સ આવતા મહિને જ ગુજરાતમાં સ્થાપશે પ્લાન્ટ, MOU થયા
ગાંધીનગર: વાઇબ્રન્ટ ગુજરાત સમિટના ઉદઘાટન બાદ મંગળવારે સમિટના પ્રથમ દિવસે સમિટની પાર્ટનર કન્ટ્રી જાપાન અને ગુજરાત વચ્ચે મુખ્યમંત્રી વિજય રૂપાણીની ઉપસ્થિતિમાં શ્રેણીબદ્ધ એમઓયુ કરવામાં આવ્યા હતા, જેમાં મારુતિ સુઝુકીએ મહેસાણા ખાતે ઈન્ડસ્ટ્રીયલ ટ્રેનિંગ ઈન્સ્ટિટ્યૂટ સ્થાપવાની તૈયારી બતાવી છે.
પહેલી બેચ ઓગસ્ટ 2017થી જ શરૂ
સુઝુકી મોટર્સના સીઈઓ તોશિહિરો સુઝુકીએ વાઇબ્રન્ટ સમિટના ઉદ્ઘાટન સમારોહમાં પોતાના પ્રવચન દરમિયાન આની જાહેરાત કરી હતી. આ અંગેની વધુ વિગતો મુજબ, મહેસાણા ખાતે મારુતિ સુઝુકીના પ્લાન્ટ નજીક જાપાન-ઇન્ડિયા ઈન્સ્ટિટ્યૂટ ઓફ મેન્યુફેક્ચરિંગ (જીમ) સ્થાપવાનો નિર્ણય લેવાયો છે. જેમાં દર વર્ષે ગુજરાતના 300 યુવાનોને ટેકનિકલ ટ્રેડ્સ અને જાપાનિઝ શોપ ફ્લોર પ્રેક્ટિસિસની તાલીમ આપવામાં આવશે. આની પહેલી બેચ ઓગસ્ટ 2017થી જ શરૂ થઈ જશે.
પ્લાન્ટની ઉત્પાદન ક્ષમતા વધારીને 7,50,000 યુનિટની
પોતાના પ્રવચનમાં તોશિહિરો સુઝુકીએ એવી પણ જાહેરાત કરી હતી કે, સુઝુકીના ગુજરાત ખાતેના પ્લાન્ટમાંથી આવતા મહિને જ ઉત્પાદન શરૂ કરી દેવામાં આવશે. તેમણે કહ્યું કે, આ પ્લાન્ટની ઉત્પાદન ક્ષમતા વધારીને 7,50,000 યુનિટની કરવામાં આવશે. અન્ય જે એમઓયુ થયા તેમાં જાપાન બેંક ઓફ ઈન્ટરનેશનલ, જીઆઈએમડી, જીઆઈડીસી, ટોયોટા શુશો કોર્પોરેશન અને ટોયોટા શુશો ઈન્ડીયા પ્રા.લિમિટેડનો સમાવેશ થાય છે. જેમાં બેંક ઓફ ટોકિયો મિત્સુબિશી યુએફજેએ અમદાવાદમાં એક બ્રાન્ચ ખોલવાનો નિર્ણય કર્યો છે. આ ઉપરાંત, નિહોન ટેકનોલોજી ગુજરાતમાં રહેલા અને આવતા જાપાનીઝ પ્રોફેશનલ્સ માટે ટ્રેનિંગનું સેન્ટર ખોલવાનો પણ સમાવેશ થાય છે.