ડોકટરથી લઈને વર્ગ-૪ સુધી કર્મચારીનો પગાર થયો નથી!
ગાંધીનગર,
સોસાયટી સંચાલિત મેડીકલ કોલેજ સંલગ્ન ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં ફરજ બજાવતાં ડોકટર સહિત વર્ગ-૪ના કર્મચારીઓનો ડિસેમ્બર માસનો પગાર હજુ સુધી થયો નથી. સામાન્ય રીતે તા.૧થી પમાં પગાર થઈ જતો હોય છેત્ ત્યારે આ વખતે પગારની ૩૦ કરોડની ગ્રાંટ અટવાઈ ગઈ છે.
ગુજરાત મેડીકલ એજ્યુકેશન એન્ડ રિસર્ચ સોસાયટી સંચાલિત ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં ફરજ બજાવતાં સરકારી કર્મચારીઓને પગાર સામાન્ય રીતે મહિનાના પ્રથમ સપ્તાહમાં થઈ જતો હોય છે પરંતુ આ વખતે ૧૪૦ જેટલા ગાંધીનગર સિવિલ હોસ્પિટલના કર્મચારીઓ પગારનું ૩૦ કરોડ રૃપિયાનું બીલ સરકારી કચેરીઓમાં જ અટવાઈ ગયું છે. જેના કારણે પગારની ગ્રાંટ છુટી નથી. અને પગાર થયો નથી તેવું આંતરિક સુત્રોમાંથી જાણવા મળ્યું છે. ગાંધીનગર સિવિલ હોસ્પિટલના સિવિલ સુપ્રિટેન્ડેન્ટ સહિત ફરજ બજાવતાં તમામ ડોકટર્સ અને વર્ગ-ર, ૩ અને ૪ના કર્મચારીઓને પગાર હજુ સુધી નહીં થયો હોવાના કારણે આ કર્મચારીઓની હાલત કફોડી બની છે. નોટબંધી બાદના પ્રથમ મહિનામાં જ કર્મચારીઓ પાસે પગારના રૃપિયા સમયસર નહીં મળતાં મુશ્કેલી ઉભી થઈ છે.