સંરક્ષણ સોદા પર કોરોનાનું સંકટ, ત્રણેય સેનાઓને ડીલ રોકવા આદેશ.
નવી દિલ્હી :
કોરોના સંકટ અને લોકડાઉનની અસર હવે સંરક્ષણ સોદા પર પડી છે. રક્ષા મંત્રાલયે ત્રણેય સેનાઓને આધુનિકીકરણ માટે કરવામા આવતા સંરક્ષણ સોદાને હાલ રોકવાકહ્યું છે. કોરોના મહામારીને કારણે બજેટમાં ઘટાડાને પગલે આ નિર્ણય લેવામાં આવ્યો છે તેમ મંત્રાલયે કહ્યું છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર સેના, નૌસેના, અને વાયુસેના કહેવામાં આવ્યું છે કે જ્યાં સુધી દેશમાં કોવિડ-19 પરિસ્થિતિ છે ત્યાં સુધી તેઓ મૂડી સંપાદન પ્રક્રિયાઓ (સંરક્ષણ સોદા) પર રોક લગાવે. ત્રણેય સૈન્યને તમામ સંરક્ષણ સોદા બંધ કરવા કહ્યું છે, જે વિવિધ તબક્કામાં છે.
ત્રણેય સેનાઓ આધુનિકીકરણ માટે સંરક્ષણ સોદા કરી રહી છે જે વિવિધ તબક્કામાં છે. ભારતીય વાયુ સેના ફ્રાંસના 36 રાફેલ લડાકૂ વિમાન અને રશિયા એસ-400 વાયુ સંરક્ષણ શસ્ત્ર સિસ્ટમ માટે ચૂકવણી કરવાની તૈયારીમાં છે. જ્યારે સેના અમેરિકા અને રશિયા સહિત વિવિધ દેશો પાસેથી ટેન્ક, આર્ટિલરી ગન અને એસોલ્ટ રાઈફલો પણ લઈ રહી છે.
બીજી તરફ નૌસેનાએ તાજેતરમાં જ અમેરિકા જોડે 24 મલ્ટીરોલ હેલિકોપ્ટર માટે સમજૂતી કરાર પર હસ્તાક્ષર કર્યા હતા. હવે તમામ સંરક્ષણ સોદા પર રોક લગાવવામાં આવી છે. જેનો મતલબ એ નથી કે ડીલ કેન્સલ કરી છે પરંતુ ડીલની આગળની પ્રકિયા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. પરિસ્થિતિ સામાન્ય થયા પછી સંરક્ષણ સોદો આગળ ધપાવી શકાય છે.