ગાંધીનગર જિલ્લામાં આજે કોરોનાના 5 પોઝિટીવ કેસ મળ્યા.
ગાંધીનગર :
ગાંધીનગર જિલ્લામાં આજે પાંચ કોરોનાના પોઝિટીવ કેસ નોંધાયા છે. જેમાં બે મહિલા અને ત્રણ પુરૂષનો સમાવેશ થાય છે. આજે ૫૨ વર્ષીય હદયની તકલીફ ધરાવતા કોરોના પોઝિટીવવાળા એક પુરૂષ દર્દીનું મૃત્યૃ થયું છે. ૩ કોરોનાના દર્દીઓએ કોરોનાને પરાસ્ત કરીને કોરોના સારવારમાંથી મુક્ત બન્યા છે, તેવું જિલ્લા વિકાસ અધિકારી શ્રી આર. આર. રાવલે જણાવ્યું છે.
જિલ્લા વિકાસ અધિકારી શ્રી રાવલે જણાવ્યું છે કે, ગાંધીનગર જિલ્લામાં તા. ૦૬ મે, ૨૦૨૦ ના ૫.૦૦ કલાક બાદ જિલ્લામાં પાંચ કોરોનાના પોઝિટીવ કેસ નોંધાયા છે. જેમાં ગાંધીનગર તાલુકાના વાવોલ ગામમાં ૩૨ વર્ષીય યુવાનને, દહેગામ તાલુકામાં વાસણા ચૌધરી ગામની ૨૮ વર્ષીય યુવતી અને નાંદોલ ગામમાં ૮૫ વર્ષીય મહિલા અને ૬૨ વર્ષીય પુરૂષને અને કલોલ અર્બન – ૧ માં ૨૦ વર્ષીય યુવાનને કોરોના પોઝિટીવ આવ્યો છે. આજના રીપોર્ટ અનુસાર જિલ્લામાં હદયની તકલીફ ધરાવતા કલોલના ૫૨ વર્ષીય પુરૂષનું ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં મૃત્યૃ થયું છે. તેમજ ગાંધીનગર તાલુકાના રાંધેજા ગામના ૩૩ વર્ષીય યુવાન, દહેગામ તાલુકાના પાલૈયા ગામના ૫૮ વર્ષીય પુરૂષ અને માણસા તાલુકાના ઇટાદરા ગામના ૫૩ વર્ષીય પુરૂષ મળી કુલ- ૩ પુરૂષ કોરોના દર્દીઓએ કોરોનાને પરાસ્ત કરતા તેમને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે.
જિલ્લા વિકાસ અધિકારીશ્રીએ જણાવ્યું છે કે, ગાંધીનગર જિલ્લામાં અત્યાર સુધીમાં કુલ- ૧૩૫૦ ટેસ્ટ કરવામાં આવ્યા છે. જેમાંથી ૪૯ કેસ પોઝિટીવ મળ્યા છે. ૧૩૦૧ કેસ નેગેટીવ મળ્યા છે. ગાંધીનગરમાં કુલ- ૪૬૩ વ્યક્તિને કોરોન્ટાઇન કરવામાં આવ્યા છે.