સુરતમાં પાંચ દિવસ માટે શાકભાજીના વેચાણ પર પ્રતિબંધ મુકાયો
સુરત :
શહેરમાં પાંચ દિવસ માટે શાકભાજીના વેચાણ પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે. જેથી આજથી પાંચ દિવસ એપીએમસી પણ બંધ રહેવાની છે, અને આગામી પાંચ દિવસ શહેરમાં શાકભાજી નહિ મળી શકે. જોકે, ખેડૂતોની રજૂઆત બાદ મુખ્યમંત્રીની સૂચનાને પગલે ખેડૂતોને કેરી વેચવા વ્યવસ્થા કરી આપવાની રહેશે. જેથી શહેરમાં લોકોને કેરી ખરીદવાનો મોકો મળશે. જોકે, કેરીના છૂટક વેચાણ માટે મનાઈ ફરમાવીને માત્ર કેરીના આખા ક્રેટ કે પેટીઓ જ ખરીદવા લોકોને અપીલ પણ કરવામાં આવી છે. શનિવારથી આગામી બુધવાર સુધી શહેરમાં શાકભાજીના વેચાણ પર પ્રતિબંધ મુકાયો છે. શાકભાજીના જથ્થાબંધ અને છૂટક વેચાણ પર પ્રતિબંધ હોવાથી શહેરમાં શાકના ટેમ્પો, લારી, ફેરિયાઓ પાંચ દિવસ શાક નહિ વેચી શકે. આ સાથે શાકભાજી માટે ખેડૂતો અને વેપારીઓ વચ્ચે કડીરૂપ એપીએમસીને પણ પાંચ દિવસ બંધ રાખવાની સુચના અપાઈ છે. પરિણામે કેરી વેચાણ માટે ખેડૂતોએ કરેલ રજૂઆત ધ્યાને લઈને કેરી વેચાણને મંજુરી અપાઈ છે. એક લાખ ટન કેરીની આવક હોવાથી માલ બગડી ન જાય એ માટે ખુદ મુખ્યમંત્રીના કલેકટરોને અપાયેલા નિર્દેશ મુજબ, આ પાંચ દિવસ લોકોને કેરીની ખરીદીનો લાભ મળશે. આ સાથે બીજી મહત્વની બાબત એ છે કે, શહેરમાં માત્ર શાકભાજીનું જ વેચાણ બંધ રહેવાનું છે, જયારે લોકોને અનાજ, કરિયાણું, બેકરી અને ડેરી પ્રોડક્ટ્સ, દવા વિગેરે મેળવવામાં કોઈ અડચણ પડવાની નથી. અત્રે ઉલ્લેનીય છે કે, પાછલા દિવસોમાં શાકભાજીના વિક્રેતાઓના 80થી વધુ પોઝિટિવ કેસ આવ્યા છે. જેના કારણે શાકભાજી વાળાને કારણે અન્ય લોકોને પણ સંક્રમણ થયું હોવાના કેસો પણ સામે આવ્યા છે.