ગુજરાત

મોદીજી જનતા તો સમજી જ ગઈ છે કે તમારી આત્મનિર્ભરતા નો અર્થ તો ” ભગવાન ભરોસે ” જ થાય છે : જયરાજસિંહ

ગાંધીનગર :
ગુજરાત પ્રદેશ કોંગ્રેસના  પ્રવક્તા જયરાજસિંહ પરમારે જણાવ્યું હતું કે પોતાના ખર્ચે અને જોખમે રઝળપાટ વેઠીને વતન જતા આત્મનિર્ભર મજૂરો 50 દીવસ સુધી ભૂખ્યા તરસ્યા સરકાર પર નિર્ભર રહ્યા પણ પછી તેમને સમજાયું કે ખુદ સરકાર પોતે જ ભગવાન ભરોસે છે તો આપણું તો શું ભલું કરવાની છે ?

કોરોનાના દર્દીઓ પણ સરકારી સીવીલમાં જઈને જ આત્મનિર્ભરતાના જોરદાર પાઠ શીખ્યા જ છે. દવાના બદલે દુઆ એ જ કોરોનાનો ઈલાજ હોય તેમ જાતને બચાવવા જાત મહેનત જ એક માત્ર ઉપાય છે તે સમજાયું જ છે સાહેબ.

કોરોના વોરિયર્સ જેવા કે ડોક્ટર્સ, નર્સીસ, દવાખાનાના કર્મચારીઓ, સફાઈ કામદારો અને પોલીસ પણ પી.પી.ઈ. કીટ અને N-95 માસ્ક આ સંકટની ઘડીએ સરકાર કરતાં ખુદ પર વધુ ભરોસો મુકીને કામ કરી રહ્યા છે અને આત્મનિર્ભર બની જ ગયા છે. વેપારીઓ, ખેડુતો, દુકાનદારો, ફેરીયાઓ તથા અસંગઠીત મજૂરો પેટ ભરવા મજબુરીમાં આત્મબળે પ્રયત્નશીલ છે જ ત્યારે આત્મનિર્ભર જનતા નહીં ખુદ મોદી સરકારે થવાની જરૂર છે.

મોદી સરકાર પી.પી.ઈ. કીટ હોય એન-95 માસ્ક હોય ટેસ્ટીંગ કીટ હોય તમામ માટે ચીન પર નિર્ભર છે અને જનતાને આત્મનિર્ભર થવા સલાહ આપી રહી છે. માત્ર ને માત્ર ઉદ્યોગપતિઓના ખભે બેસી રાજકીય દુકાનો ચલાવનારા જ્યારે પોતાના ખભે આવેલી જવાબદારીથી છટકી જવા લોકોને આત્મનિર્ભર થવાની સુફીયાણી સલાહ આપે ત્યારે નિર્માલ્યતા છતી થાય છે. તપ મજદૂરો કરે અને આત્મનિર્ભરતાના જપ મોદીજી કરે. તાળીઓ તમે પાડો, થાળીઓ તમે ખખડાવો, દીવા તમે સળગાવો, ઘરમાં તમે રહો, વૃદ્ધોની સંભાળ તમે રાખો, મજૂરોને તમે સાચવો, ગરીબોને તમે જમાડો, પગાર તમે આપો હું તો બસ બોલવા પુરતો જ આત્મનિર્ભર રહીશ બસ આ સંદેશ આપી મોદીજી કોરોના સામે ઘુટણીયે પડી ગયા છે. અડવાણી પર નિર્ભર રહી રાજકીય સીડી ચઢનારે ખુદ અડવાણીને આત્મનિર્ભર થવા મજબુર કર્યા છે ત્યારે સૌથી પહેલા દીલ્હી બાજુ પડખુ કરીને સુવા ટેવાયેલા રૂપાણીજી એ આત્મનિર્ભર થવાની સલાહ આપવાની જરૂર છે. રીઝર્વ બેંક પાસે વારંવાર હાથ લંબાવતા અગાઉ ખુદ દેશના અર્થતંત્રને આત્મનિર્ભર કરવુ પડશે. ટ્રમ્પના ભરોસે રહી પોતાની છબી ચમકાવતા રહેનાર મોદીજીએ પોતાની જાત પર ભરોસો કેળવવો પડશે. ભાષણો પર નિર્ભર રહેવાના બદલે શાસનને ભરોસાપાત્ર બનાવવુ પડશે બાકી સાહેબ જનતાતો સમજી જ ગઈ છે કે તમારી આત્મનિર્ભરતા નો અર્થ તો ” ભગવાન ભરોસે ” જ થાય છે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x