ગાંધીનગર જિલ્લામાં કોરોનાનો હાહાકાર, એક જ દિવસમાં 12 કેસ પોઝિટિવ
ગાંધીનગર:
ગાંધીનગર શહેર અને જિલ્લામાં કોરોના હાહાકાર મચાવી રહ્યો છે. સોમવારે ગાંધીનગર, કલોલ, દહેગામમાં પોઝિટિવ કેસ સામે આવ્યા છે. જેમાં ગ્રામ્ય વિસ્તારમાં 4 અને શહેરી વિસ્તારમાં 8 કેસ નોંધાયા છે. જેમાં મહાનગર પાલિકાના કર્મચારી અને પોલીસ કર્મચારીઓનો પણ સમાવેશ છે. દહેગામના બહિયલ ગામ પી.એચ.સી સેન્ટરના 51 વર્ષીય લેબોરેટરી ટેકનીશીયન, ગાંધીનગર તાલુકાના ડભોડા ગામમાં રહેતા 65 વર્ષીય વૃદ્ધ જે હાર્ટ એટેક આવ્યા બાદ હોસ્પિટલમાં સારવાર માટે ગયા હતા, જે પોઝિટિવ આવ્યા છે. જ્યારે ગિફ્ટ સિટી શુભારંભ ફ્લેટમાં રહેતી 31 વર્ષીય મહિલા કોરોના પોઝિટિવ આવી છે. જ્યારે કલોલ પુર્વ વિસ્તારમાં રહેતી 48 વર્ષીય મહિલા જે અમદાવાદ ચાંગોદર ખાતે નોકરી કરે છે એ પણ સોમવારે કોરોના પોઝિટિવ આવી છે.
ગાંધીનગર શહેરમાં સેક્ટર 24ના વધુ કેસ સામે આવ્યા છે. ઇન્દિરાનગરમાં અગાઉ જે કેસ આવ્યા હતા. તેના સંપર્કમાં આવેલા લોકો પોઝિટિવ આવ્યા છે. જેમાં 55 વર્ષીય મહિલા 16 વર્ષીય યુવતી, 30 વર્ષીય પુરુષ પોઝિટિવ આવ્યા છે. જ્યારે શ્રીનગર સોસાયટીમાં રહેતો 36 વર્ષીય પુરુષ પણ પોઝિટિવ આવ્યો છે. ઉપરાંત ગઈકાલે જ કન્ટેનમેન્ટ ઝોનમાંથી મુક્ત થયેલા સેક્ટર 23માં રહેતો 27 વર્ષીય પુરુષ જે ગાંધીનગરમાં પાલિકામાં ફરજ બજાવે છે તે પોઝિટિવ આવ્યો છે. જ્યારે સેક્ટર-3cમા 51 વર્ષીય પુરુષ, સેક્ટર 13aમાં 45 વર્ષીય પુરુષ અને સેક્ટર 27 પોલીસ લાઈનમાં રહેતો અને સેક્ટર 21 પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતો 27 વર્ષિય પોલીસ કર્મચારી પોઝિટિવ આવતા ખળભળાટ મચી ગયો છે.