ગાંધીનગરગુજરાત

કોઇપણ ખાનગી શાળાઓ વાલીઓ પર ચાલુ વર્ષની શૈક્ષણિક ફી ભરવા માટે દબાણ નહીં કરી શકે : શિક્ષણ મંત્રીશ્રી

ગાંધીનગર :
રાજ્યની કેટલીક ખાનગી શાળાઓ ચાલુ વર્ષની શૈક્ષણિક ફી લેવા માટે વાલીઓ પર દબાણ કરતી હોવાની રજૂઆતો અને અહેવાલોના પગલે શિક્ષણ મંત્રી શ્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ આજે સ્પષ્ટતા કરતાં જણાવ્યું છે કે, કોઇપણ શાળા સંચાલકો વિદ્યાર્થીઓ કે વાલીઓને ચાલુ વર્ષની શૈક્ષણિક ફી તાત્કાલિક વસૂલ કરવા દબાણ કરી શકશે નહીં. ૧૩મી એપ્રિલના રોજ રાજ્યના શાળા સંચાલક મંડળના આગેવાનોની રાજ્ય સરકાર સાથે થયેલી સમજૂતી મુજબ વાલીઓ શૈક્ષણિક ફી આગામી સપ્ટેમ્બર માસ સુધીમાં, માસિક હપ્તા કે પોતાની અનુકૂળતા મુજબ ભરી શકશે. આ સમજૂતી મુજબ જ શાળા સંચાલકોએ વાલીઓ પાસેથી ચાલુ વર્ષની શૈક્ષણિક ફી વસૂલ કરવાની રહેશે. આમ છતાં પણ જો કોઇ ખાનગી શાળાએ ફી અંગે કોઇ દબાણ કર્યું હોવાની ફરિયાદ મળશે તેવા કિસ્સામાં શિક્ષણ વિભાગ જે તે શાળા સામે નિયમાનુસાર કાર્યવાહી કરશે. જયાં આવી ફરિયાદ મળી છે ત્યાં નોટિસ આપવામાં આવી છે, તેમ શ્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યું છે.

આજે ગાંધીનગર ખાતે શિક્ષણ મંત્રી શ્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ સ્પષ્ટપણે જણાવ્યું હતું કે, શૈક્ષણિક ફી સિવાયની ટ્રાન્સપોર્ટેશન, પુસ્તકો કે અન્ય સ્ટેશનરી અંતર્ગત પણ કેટલીક શાળાઓ ફી ઉઘરાવતી હોવાની ફરિયાદો મળતી હોય છે ત્યારે શાળાઓ યુનિફોર્મ, પુસ્તકો કે ટ્રાન્સપોર્ટેશન જેવી અન્ય કોઇપણ ફી માટે વાલીઓ પર દબાણ કરી શકશે નહીં અને જો આવું દબાણ થતું હોવાની ફરિયાદો મળશે તો તેની સામે પણ નિયમાનુસાર કાર્યવાહી કરાશે.

શિક્ષણ મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, ૧૩મી એપ્રિલના રોજ શાળા સંચાલક મંડળના હોદ્દેદારો સાથે શિક્ષણ વિભાગની શાળાઓની ફી સંબંધે બેઠક યોજાઇ હતી. આ બેઠકમાં થયેલી સમજૂતી મુજબ સામાન્ય રીતે પ્રતિ વર્ષ શૈક્ષણિક ફીમાં પ થી ૭ ટકાનો વધારો થતો હોય છે, તે વધારો ચાલુ વર્ષની કોરોના-કોવિડ-૧૯ની મહામારીના કારણે સર્જાયેલી સ્થિતિના કારણે વાલીઓને આર્થિક રાહત આપવા શાળાને મંજૂરી નહીં અપાય તેવો નિર્ણય પણ એફ.આર.સી. દ્વારા લેવાયો છે. આ નિર્ણયના કારણે વાલીઓને રાજ્ય સરકારે શૈક્ષણિક ફીમાં વધારો અટકાવી સારી એવી રાહત આપી છે, તેમ પણ શ્રી ચુડાસમાએ જણાવ્યું હતું.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x