જાહેર સ્થળોએ, કામકાજના સ્થળોએ, વાહન વ્યવહાર દરમિયાન માસ્ક કે ચહેરો ઢાંકવો ફરજિયાત
ગાંધીનગર :
જાહેર સ્થળોએ, કામકાજના સ્થળોએ તેમજ વાહન વ્યવહાર દરમિયાન માસ્ક નહીં પહેર્યો હોય કે કોઈપણ પ્રકારના કપડાથી ચહેરો નહીં ઢાંક્યો હોય તો રૂપિયા 200 નો દંડ વસૂલ કરવામાં આવશે. એટલું જ નહીં જાહેર સ્થળોએ થૂંકવા બદલ પણ રાજ્ય સરકારે રૂપિયા ૨૦૦ના દંડની જોગવાઈ કરી છે.
આ દંડની રકમ વસૂલ કરવાની સત્તા મ્યુનિસિપલ કમિશનર, કલેક્ટર, નગરપાલિકા અને સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ ઉપરાંત રાજ્યના તમામ પોલીસ કમિશનર અને જિલ્લા પોલીસ વડા હેઠળના રાજ્યના પોલીસ તંત્રને પણ સોંપવામાં આવી છે.
રાજ્યના પોલીસ તંત્રમાં હેડ કોન્સ્ટેબલ અને તેનાથી ઉપરના દરજ્જાના પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ હવે માસ્ક નહીં પહેર્યો હોય કે મોઢું નહિ ઢાંક્યું હોય તો કે જાહેરમાં થૂંકવા બદલ દંડ લઇ શકશે.
રાજ્યના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગે આજે ગુજરાત એપિડેમિક ડિસીઝ covid-19 રેગ્યુલેશન 2020 અંતર્ગત જાહેરનામું બહાર પાડીને આ અંગેના આદેશો કર્યા છે. કોરોનાવાયરસની અસર તેમજ રોગ અટકાયત અને નિયંત્રણની કામગીરી વધુ અસરકારક બનાવવા આ પગલાં લેવાઈ રહ્યાં છે.